મંત્રીના હત્યારા પાસેથી હત્યાનું કારણ કઢાવવામાં પોલીસ નિષ્ફળ, ગુજરાતમાં લવાશે

PC: jagran.com

ઓડિશાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસની ગોળી મારીને હત્યા કરનારા બરતરફ કરાયેલા પોલીસકર્મી ગોપાલ કૃષ્ણ દાસનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. આ વાતને તપાસ અધિકારીઓએ સમર્થન આપ્યું છે. આરોપીનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ ગુજરાતમાં થશે. આ સાથે ઝારસુગુડા જિલ્લાની એક કોર્ટે બુધવારે આરોપી ગોપાલ દાસના પોલીસ રિમાન્ડને 13 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધા છે.

આરોપી ગોપાલ કૃષ્ણ દાસના વકીલ હરિશંકર અગ્રવાલે જણાવ્યું હતું કે, ઝારસુગુડામાં ન્યાયિક મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ)ની કોર્ટે કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ (CB)ને કાઢી મૂકેલા પોલીસકર્મીના નાર્કો-એનાલિસિસ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. આરોપીઓના ટેસ્ટ ગુજરાતના ગાંધીનગરમાં થશે.

નાર્કો ટેસ્ટ પહેલા વ્યક્તિની સાદી મેડિકલ તપાસ થાય છે. જેથી તેની શારીરિક સ્થિતિની તપાસ કરી શકાય. આ પછી, તેની ઉંમર, લિંગ અને અન્ય તબીબી પરિસ્થિતિઓના આધારે, તેને સોડિયમ પેન્ટોથલનો ડોઝ આપવામાં આવે છે. જો ડોઝ વધારે થઇ જાય તો ખરાબ પરિસ્થિતિ થઈ શકે છે, તેથી આ ટેસ્ટ નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

જરૂરી નથી કે, નાર્કો ટેસ્ટ 100 ટકા સચોટ હોય. કારણ કે નશાની હાલતમાં વ્યક્તિ ક્યારેક ખોટા જવાબો પણ આપે છે. કેટલીકવાર તે વાર્તાઓ બનાવવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં જો પ્રશ્નકર્તા યોગ્ય રીતે પ્રશ્ન પૂછે તો દર્દી પણ સાચો જવાબ આપી શકે છે. કારણ કે, આ પ્રશ્નો પૂછવાની નરમ રીત છે. કેટલાક લોકો તેને થર્ડ ડિગ્રીનો સોફ્ટ વે પણ કહે છે. આ ટેસ્ટ દરમિયાન સાયકોલોજિસ્ટને બેસાડવામાં આવે છે. કોશિશ એવી કરવામાં આવે કે, સવાલો પણ તે જ પૂછે, કે જેથી કરીને સાચા જવાબો મળી શકે. તપાસ અધિકારી અથવા ફોરેન્સિક નિષ્ણાત મનોવિજ્ઞાની સાથે બેસે છે.

પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન મશીનના ચાર કે છ પોઈન્ટ વ્યક્તિની છાતી અને આંગળીઓ સાથે જોડાયેલા હોય છે. પછી તે પહેલાં કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પછી તેને અપરાધ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આ દરમિયાન મશીનની સ્ક્રીન પર માણસના હૃદયના ધબકારા, બ્લડપ્રેશર, પલ્સ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવે છે. ટેસ્ટ પહેલા પણ વ્યક્તિનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે તેના સામાન્ય હૃદયના ધબકારા, બ્લડપ્રેશર, પલ્સ રેટ વગેરેની નોંધ લેવામાં આવે છે.

જ્યારે ટેસ્ટ કરવાનું શરૂ થાય છે, ત્યારે પ્રશ્નો પૂછવાનું શરૂ થાય છે. પછી જો જવાબ આપનાર જૂઠું બોલે તો તે સમયે તેના હૃદયના ધબકારા, બ્લડપ્રેશર, પલ્સ રેટ ઘટે છે અથવા વધે છે. કપાળ અથવા હથેળીઓ પર પરસેવો શરૂ થાય છે. આ બતાવે છે કે વ્યક્તિ જૂઠું બોલી રહ્યો છે. આ સંકેતો દરેક પ્રશ્નના સમયે રેકોર્ડ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાચું બોલે છે, તો તેની બધી શારીરિક પ્રવૃત્તિઓ સામાન્ય રહે છે.

મંત્રીની હત્યા કેસની તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ક્રાઈમ બ્રાંચ આરોપીઓને લઈને કોલકાતા જવા રવાના થઈ ગઈ છે, જ્યાંથી તેઓ ગુજરાતના ગાંધીનગર વિમાન મારફતે જશે. આ અગાઉ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) નવી દિલ્હીની ટીમે આરોપી ગોપાલ કૃષ્ણ દાસ પર અનેક ટેસ્ટ કર્યા છે.

હકીકતમાં આરોપીની માનસિક સ્થિતિ જાણવા માટે એક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, કારણ કે તેની પત્નીએ દાવો કર્યો હતો કે, તેનો પતિ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે જે ડિપ્રેસિવથી લઈને મેનિક હાઈ સુધીના અતિશય મૂડ સ્વિંગનું કારણ બને છે. બીજી તરફ, આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે ગુનાના સ્થળે આરોપીને સાથે લઈને ક્રાઈમ સીન ફરીથી રિપીટ કર્યો હતો.

દરમિયાન, આ કેસની તપાસની દેખરેખ કરી રહેલા ઓડિશાના પોલીસ મહાનિર્દેશક S K બંસલ, હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સાથે પ્રથમ વખત બ્રજરાજનગરના ગાંધી ચોક વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં ગોપાલ કૃષ્ણ દાસે મંત્રી નબ કિશોર દાસને ગોળી મારી હતી. બંસલે કહ્યું કે, 'તપાસ પૂરી થવામાં હજુ થોડો સમય લાગશે.' જસ્ટિસ JP દાસની દેખરેખ હેઠળ ક્રાઈમ બ્રાન્ચ કેસની તપાસ કરી રહી છે. જસ્ટિસ દાસે કહ્યું, 'ક્રાઈમ બ્રાન્ચની તપાસ ટ્રેક પર છે. અમે મનોવૈજ્ઞાનિક પરીક્ષણના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.'

અહીં તમને જણાવી દઈએ કે, 29 જાન્યુઆરી, 2023ના રોજ ગોપાલ દાસે પોતાની સર્વિસ રિવોલ્વરથી મંત્રી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને એક ગોળી તેમની છાતીમાં વાગી હતી. ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં તે જ દિવસે તેમનું અવસાન થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp