આખો દિવસ મજૂરી, રાત્રે પગમાં સાંકળ, આ રીતે કરાતો હતો મજૂરો પર જુલ્મ

PC: pynr.in

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદથી એક એવો મામલો સામે આવ્યો છે, જેને જાણીને તમે ચિંતામાં મુકાઈ જશો. ઉસ્માનાબાદમાં કેટલાક લોકો મજૂરોને બંધક બનાવીને મજૂરી કરાવી રહ્યા હતા. તેમની પાસે 12થી 14 કલાક કામ કરાવવામાં આવતું હતું, જેના કારણે તેમના પગ સડી ગયા. પરંતુ, આરોપીઓને મજૂરો પર જરા પણ દયા ના આવી અને તેઓ મજૂરો પાસે આ હાલતમાં પણ કામ કરાવતા રહ્યા. પોલીસને મળેલી જાણકારી અનુસાર, કુલ 11 લોકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. આ બધા લોકો અલગ-અલગ જિલ્લાઓમાંથી આવ્યા હતા. તે તમામ અલગ-અલગ કારણોથી મહારાષ્ટ્રના અહમદનગરમાં આવ્યા હતા. કોઈ માતા-પિતા સાથે ઝઘડીને આવ્યું હતું, તો કોઈ કમાવા માટે આવ્યું હતું. પરંતુ, તેમને કામની લાલચ આપીને એક એજન્ટે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં મોકલી આપ્યા. ઉસ્માનાબાદમાં આવ્યા બાદ તેમને એક ઢાબા પર દારૂ પીવડાવવામાં આવ્યો. પછી તેમને કુવામાં કામ કરવા માટે ઉસ્માનાબાદ તાલુકાના વાખરવાડી ગામમાં લઈ જવામાં આવ્યા.

જાણકારી અનુસાર, મજૂરો પાસે સવારે 7 વાગ્યાથી લઇને રાત્રે 7 વાગ્યા સુધી કુવા પર કામ કરાવવામાં આવતું. પછી રાત્રે તેમને થોડું ખાવાનું આપવામાં આવતું. આ મજૂરો ભાગી ના જાય એટલા માટે તેમને સાંકળથી બાંધી દેવામાં આવતા. 14 કલાક પાણીમાં જ કામ કરવાના કારણે મજૂરોના પગ સડી ગયા હતા. પગ સડ્યા બાદ પણ મજૂરો પર થનારા જુલ્મો ઓછાં ના થયા. અહીં આશરે 11 મજૂરો હતા, જેમાંથી 6 મજૂરોને અલગ કરવામાં આવ્યા અને 5 મજૂરોને અલગ કામ પર લઇ જવામાં આવ્યા હતા. આ મજૂરોમાંથી એક મજૂર કોઈકરીતે ભાગવામાં સફળ રહ્યો અને ત્યારબાદ તેણે આખી હકીકત પોતાના ઘરના સભ્યોને જણાવી. ત્યારબાદ, તે મજૂરના ઘરના સભ્યો દોકી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને આખી હકીકત જણાવી. આ વાત પર પોલીસને પણ વિશ્વાસ ના થયો પરંતુ, મજૂરોની વિનંતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે આ મજૂરોને છોડાવી લીધા અને 4 આરોપીઓની ધરપકડ કરી લીધી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કોન્ટ્રાક્ટર કૃષ્ણા બાલુ શિંદે, સંતોષ શિવાજી જાધવ અને બે લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મજૂરોમાંથી એક અમોલ નિંબાલકરે જણાવ્યું કે, તે વાશિમ જિલ્લાના સેલૂ બજારથી આવ્યો છે. તે ઘરના સભ્યો સાથે વિવાદ થયા બાદ અહમદનગર આવ્યો હતો. તે રેલવે સ્ટેશન પર બેઠો હતો. ત્યાં તેને બે હિંગોલીના યુવક દેખાયા, પછી તે તેમની સાથે વાત કરી રહ્યો હતો અને થોડીવારમાં ત્યાં એક એજન્ટ આવ્યો. એજન્ટે અમને પૂછ્યું કામ કરશો? અમે હાં પાડી. તેણે અમને એક રિક્ષામાં બેસાડ્યા અને પછી દારૂ પીવાની વ્યવસ્થા કરી. અમને દારૂ પીવડાવીને તેણે ઓટોમાં ફેરવ્યા અને એક ઢાબાની પાસે જંગલમાં લાવીને છોડી દીધા. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની ગાડીઓ અમને લઇને આવી અને ગાડીઓ પર બેસાડીને અમને 6 લોકોને અલગ કરી દીધા અને પછી રાત પડ્યા બાદ અમને સાંકળથી બાંધી દીધા.

અમે તેમને પૂછ્યું કે, અમને સાંકળથી શા માટે બાંધી રહ્યા છો. તો તેમણે અમને મારવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ તેણે અમારા ગજવામાંથી મોબાઈલ અને પૈસા કાઢી લીધા. પછી સવારે 6 વાગ્યે અમને ઉઠાડ્યા અને પછી કુવામાં કામ માટે ઉતારી દીધા અને 10 વાગ્યે થોડું ખાવાનું આપ્યું. પછી તરત જ કુવામાં ઉતાર્યા અને રાત્રે 10 વાગ્યા સુધી કામ કરાવ્યું. મજૂરે જણાવ્યું કે, જો કામમાં ભૂલ થઈ તો તેમને માર મારવામાં આવતો. પગમાં છાલા પડવા છતા રજા આપવામાં ના આવતી.

પોલીસ જગદીશ રાઉતે જણાવ્યું કે, સવારે અમને ખબર મળી હતી કે કેટલાક લોકોને સાંકળથી બાંધીને રાખવામાં આવ્યા છે અને તેમની પાસે જબરજસ્તી કામ કરાવવામાં આવી રહ્યું છે. પહેલા અમને વિશ્વાસ ના આવ્યો. પછી એસપી અતુલ કુલકર્ણીના માર્ગદર્શનમાં અમે એક ટીમ બનાવી. ત્યારબાદ તે જગ્યા પર જઇને જોયુ તો ત્યાં કેટલાક લોકોને સાંકળથી બાંધીને બંધક બનાવવામાં આવ્યા હતા. સાથે જ કેટલાક લોકો કુવામાં કામ કરતા દેખાયા. જગદીશ રાઉતે કહ્યું કે, અમે તે મજૂરોની પૂછપરછ કરી તો તેમણે અમને જણાવ્યું કે, આ રીતે વધુ એક જગ્યા પર 6 મજૂરોને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. ત્યારબાદ અમારી ટીમે ત્યાં જઇને જોયુ તો ત્યાં પણ 6 મજૂરો પાસે ખુલ્લામાં કામ કરાવવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ અમે તમામ 11 મજૂરોને છોડાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp