રાહુલને સરકારી બંગલો પણ ફરી મળી ગયો, જાણો જૂનું જ ઘર મળવા અંગે શું કહ્યું?

PC: anandabazar.com

લગભગ 6 મહિનાના સંઘર્ષ પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હવે રાહત મળી રહી છે. સુરતની કોર્ટે જાહેર કરેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધા પછી રાહુલ ગાંધીને તેમનું સભ્યપદ પાછું મળી ગયું હતું અને હવે સરકારી બંગલો પણ પાછો મળી ગયો છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સાંસદ તરીકે પુનઃસ્થાપિત કર્યા બાદ તેમનો જૂનો સરકારી બંગલો પરત મળી ગયો છે. હવે રાહુલ ફરી 12 તુગલક રોડ પર આવેલા બંગલામાં જ રહેશે. ઘર પાછું મળ્યા પછી રાહુલ ગાંધીનું પહેલું નિવેદન પણ સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે મારું ઘર આખું હિંદુસ્તાન છે. સંસદની હાઉસિંગ કમિટીએ રાહુલનો જૂનો સરકારી બંગલો પાછો આપી દીધો છે.

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ લોકસભા સચિવાલયે કોંગ્રેસના રાહુલ ગાંધીને વાયનાડના સાંસદ તરીકે પુનઃસ્થાપિત કર્યા છે. 4 ઓગસ્ટના દિવસે સર્વોચ્ચ અદાલતે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી, જેનાથી કેરળના વાયનાડથી લોકસભા સાંસદ તરીકે તેમના પુનઃસ્થાપિત થવાનો માર્ગ મોકળો થયો હતો. સંસદનું સભ્યપદ મળતાની સાથે જ રાહુલ ગાંધી સંસદમાં પણ ગયા હતા.

ગુજરાતની સુરત કોર્ટે રાહલુ ગાંધીને 23 માર્ચે  બે વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પછી બીજા જ દિસે રાહુલ ગાંધીને 24 માર્ચે લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ સુરત કોર્ટના ચુકાદાને સુરતની સેશન્સ કોર્ટ અને પછી ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ બંને જગ્યાએથી રાહુલ ગાંધીને હાર મળી હતી. એ પછી રાહુલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી હતી.

રાહુલ ગાંધીના સંસદ સભ્ય પદ રદ થયા પછી તેમને 12 તુગલક રોડ પર આવેલા સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી, જે રાહુલ ગાંધીએ ખાલી પણ કરી દીધો હતો.

એવા પણ સમાચાર છે કે ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ થવાનો છે. આ મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ગુજરાતથી શરૂ થશે અને મેઘાલય સુધી ચાલશે.

અગાઉ એવા અહેવાલ હતા કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 13 ઓગસ્ટે છત્તીસગઢ, 18 ઓગસ્ટે તેલંગાણા, 22 ઓગસ્ટે મધ્યપ્રદેશ અને 23 ઓગસ્ટે રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન આ રાજ્યોમાં જાહેર રેલીઓને સંબોધિત કરશે.

આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બાદ કોંગ્રેસ ઉત્સાહિત છે અને વધુને વધુ લોકો સાથે જોડાવા માટેની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp