એક જ ગુનામાં ઘણીવાર થઈ શકે છે સજા! મોદી સરનેમ મામલામાં રાહુલ પાસે કયા છે વિકલ્પ?

PC: moneycontrol.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આજે એટલે કે બુધવારે પટનાની MP MLA કોર્ટમાં મોદી સરનેમવાળા માનહાનિના વધુ એક કેસની સુનાવણી થવાની હતી. જોકે, રાહુલ ગાંધી સુનાવણીમાં ના પહોંચી શક્યા. હવે 25 એપ્રિલે બીજી સુનાવણી થશે. માનહાનિના એવા જ એક કેસમાં ગત મહિને સૂરત કોર્ટે તેમને દોષી જાહેર કર્યા હતા. કોર્ટે તેમને બે વર્ષની સજા પણ સંભળાવી છે. આ કારણે તેમનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયુ છે. જોકે, રાહુલ હાલ જામીન પર છે. બિહારમાં રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ BJPના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ દાખલ કરાવ્યો છે.

આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે, શું એક જ અપરાધ માટે આરોપીને ઘણીવાર સજા સંભળાવી શકાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ.

સુપ્રીમ કોર્ટમાં વકીલ ફુઝૈલ ખાનના જણાવ્યા અનુસાર, ભારતીય ન્યાય વ્યવસ્થા અને સંવિધાનના અનુચ્છેદ 13 અનુસાર, એક આરોપ અથવા અપરાધમાં કોઈકને એક જ વાર સજા સંભળાવી શકાય છે પરંતુ, આપરાધિક મામલાના વિશેષજ્ઞ વકીલ સુશીલ ટેકરીવાલના વિચાર તેનાથી ઉલટ છે. ટેકરીવાલના જણાવ્યા અનુસાર, પટનાની કોર્ટ આ મામલામાં સૂરત કોર્ટના નિર્ણય છતા ટ્રાયલનો આદેશ આપી શકે છે.

 

વકીલ ફુઝૈલ ખાને જણાવ્યું કે, સૂરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસની સુનાવણી થઈ ચુકી છે આથી, હવે પટના કોર્ટમાં રાહુલને સૂરત મેજિસ્ટ્રેટ કોર્ટની સજાના આદેશ અને સત્ર કોર્ટના જામીનના આદેશ રજૂ કરી એ જણાવવાનું રહેશે કે આ આરોપમાં તેમને સજા અને જામીન બંને થઈ ચુક્યા છે. આ ઉપરાંત, પટના કોર્ટમાં જામીન માટે અરજી પણ આપવી પડશે. આ ઉપરાંત, પટના હાઈકોર્ટમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટમાંથી જાહેર સમન રદ્દ કરવાની અરજી પણ આપવી પડશે. વકીલ ફુઝૈલ ખાને જણાવ્યું કે, રાહુલ ગાંધીએ પટનામાં શરૂ થયેલી સુનાવણીમાં વ્યક્તિગતરીતે હાજર થવાની જરૂર નથી પરંતુ, જ્યારે તેમની જામીન અરજી પર સુનાવણી થશે તો તેમણે પોતે હાજર થવુ પડશે. જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટ આરોપીની વ્યક્તિગત ઓળખ દાખલ કર્યા બાદ જ જામીન આપે છે.

જ્યારે સુશીલ ટેકરીવાલે પણ એ વાત પર સહમતિ વ્યક્ત કરી કે સુનાવણીના શરૂઆતી ચરણમાં રાહુલનું વ્યક્તિગતરીતે કોર્ટમાં હાજર થવુ જરૂરી નથી. તેઓ સુનાવણી દરમિયાન વ્યક્તિગત હાજરીમાંથી છૂટની માંગ કરી શકે છે. તેમજ, ટેકરીવાલે જણાવ્યું કે રાહુલ પટના હાઈકોર્ટની સામે CRPCની ધારા 482 અને સંવિધાનના અનુચ્છેદ 20(2) અંતર્ગત અરજી દાખલ કરી શકે છે. તેના દ્વારા સમન રદ્દ કરવા અને એક જ અપરાધ માટે બેવાર સજા ન આપવાની અપીલની પુષ્ટિ થાય છે. તેમને કોર્ટમાંથી રાહત મળવાના પૂરા આસાર છે. વકીલ સુશીલ ટેકરીવાલ કહે છે કે, રાહુલ ગાંધીની પાસે સુપ્રીમ કોર્ટ જઈને આ મામલા સાથે સંકળાયેલી તમામ FIR અથવા ફરિયાદો અથવા કેસને ક્લબ કરવાનો પણ વિકલ્પ નથી બચ્યો.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 13 એપ્રિલ, 2019ના રોજ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કોમન શા માટે છે? બધા ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે? ત્યારબાદ BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કરતા આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતા સમગ્ર મોદી સમુદાયને કથિતરીતે એવુ કહીને બદનામ કરી કે તમામ ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે? તેમના આ નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી. તેમની અરજી પર સુનાવણી બાદ રાહુલ ગાંધીને IPCની ધારા 499 અને 500 અંતર્ગત કોર્ટે દોષી જાહેર કર્યા હતા. પૂર્ણેશ મોદી બાદ બિહારમાં સુશીલ મોદીએ પણ કેસ દાખલ કરાવી દીધો હતો, જેના પર સુનાવણી થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp