પ્રેમ અને શાંતિના સંદેશ સાથે રાહુલ મણિપુર પહોંચ્યા, આંસૂ લુછી રહ્યા છે: કોંગ્રેસ

PC: hindustantimes.com

લગભગ છેલ્લાં 2 મહિનાથી હિંસાની આગમાં ભડકે બળી રહેલા મણિપુરમાં રાહત છાવણીમાં રહેતા લોકોની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે મુલાકાત કરી હતી અને તેમની વ્યથા જાણી હતી. કોંગ્રેસ ટ્વીટ કરીને લખ્યુ કે રાહુલ ગાંધી પ્રેમ, ભાઇચારો, શાંતિનો સંદેશ લઇને મણિપુર પહોંચ્યા છે અને લોકોના આંસૂ લુંછી રહ્યા છે. તેમની નફરત સામે પ્રેમની યાત્રા અવિરત ચાલી રહી છે. કોંગ્રેસે રાહુલ ગાંધીની છાવણીના લોકો સાથેની ભાવૂક તસ્વીરો પણ શેર કરી છે.ગુરુવારે મણિપુર પોલીસે રાહુલને રાહત કેમ્પ તરફ જતા રોક્યા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે મણિપુરની મુલાકાતના બીજા દિવસે બે રાહત છાવણીઓ ની મુલાકાત લીધી હતી. શુક્રવારે રાહુલ ગાંધી સૌપ્રથમ મોઇરાંગમાં કોનઝેંગબમ રાહત કેમ્પ પહોંચ્યા અને ત્યાં રહેતા પરિવારોને મળ્યા. આ પછી, તેમણે નેમોઇરાંગ કોલેજ સ્થિત રાહત શિબિરોની મુલાકાત લીધી અને અહીં રહેતા લોકોની સ્થિતિ વિશે પૂછપરછ કરી.મણિપુરમાં સંઘર્ષ બાદથી, લગભગ 50,000 લોકો રાજ્યભરમાં 300 થી વધુ રાહત શિબિરોમાં રહે છે. આ પછી રાહુલે રાજ્યપાલ અનુસુયા ઉઇકે સાથે પણ મુલાકાત કરી હતી.

રાહત કેમ્પમાં પહોંચેલા રાહુલની તસવીરો ટ્વીટ કરીને કોંગ્રેસે લખ્યું, રાહુલ ગાંધી પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે મણિપુર પહોંચ્યા છે. ગઈકાલે તેઓ હિંસાનો ભોગ બનેલા લોકો અને નાગરિક સમાજના લોકોને મળ્યા હતા. તેમનું દુ:ખ વહેંચ્યું, તેમના આંસુ લૂછ્યા, તેમને હિંમત આપી અને તેમને ખાતરી આપી કે બધું બરાબર થઈ જશે. નફરત સામે પ્રેમની આ યાત્રા આજે પણ મણિપુરમાં ચાલુ છે.

ગુરુવારે જ રાહુલ ગાંધીએ સરકારી હેલિકોપ્ટરમાં ચુરાચંદપુરના હિયાંગતમ અને તુઇબુઓંગ્સમાં ગ્રીનવુડ રાહત  છાવણીની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારોને મળ્યા હતા. ગુરુવારે જ્યારે રાહુલ રોડ માર્ગે ચુરાચંદપુર જવા માટે ઈમ્ફાલ એરપોર્ટથી નીકળ્યા ત્યારે પોલીસે તેમના કાફલાને બિષ્ણુપુરમાં અટકાવ્યો હતો.

રાહુલને મંજૂરી ન મળવા પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને લખ્યુ હતું કે,PM મોદીએ મણિપુર પર પોતાનું મૌન તોડવાની તસ્દી લીધી નથી. તેઓએ રાજ્યને તેના હાલ પર છોડી દીધું છે. હવે તેમની ડબલ એન્જિન વિનાશક સરકારો સહાનુભૂતિ ધરાવતા રાહુલ ગાંધીને રોકવા માટે નિરંકુશ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તમામ બંધારણીય અને લોકશાહી ધોરણોનું ઉલ્લંઘન કરે છે. મણિપુરને શાંતિની જરૂર છે, સંઘર્ષની નહીં.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી સામે નિશાન સાધીને કહ્યુ કે, મણિપુરના તંત્રએ રાહુલ ગાંધીને બાય રોડને બદલે હેલિકોપ્ટરથી જવાનો અનુરોધ કર્યો હતો અને હેલિકોપ્ટરનું ભાડું માત્ર 2500 રૂપિયા છે. રાજનીતિક લાભ માટે જિદ્દી બનવાને બદલે સંવેદનશીલ સ્થિતિને સમજવી વધારે જરૂરી છે.

મણિપુરમાં હિંસાની આગ 3 મે 2023થી ભડકેલી છે. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટસ યુનિયન મણિપુર દ્રારા એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં આદિવાસીઓ અને નોન આદિવાસીઓ વચ્ચે ઝડપ થઇ હતી અને  ત્યારથી મણિપુરમાં હિંસાના બનાવો બની રહ્યા છે અને 2 મહિનાથી હજુ અટકી રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp