કાશ્મીરમાં રાહુલની સુરક્ષા અચાનક હટાવી દીધી, યાત્રા હાલ પુરતી મુલતવી: કોંગ્રેસ

PC: twitter.com/INCPuducherry

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, કાશ્મીરમાં રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'માંથી અચાનક સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. ખુદ રાહુલ ગાંધીએ પણ ટૂંકી પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે, 'આજે યાત્રા દરમિયાન પોલીસ સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી હતી. સુરંગમાંથી બહાર નીકળ્યા બાદ પોલીસકર્મીઓ જોવા મળ્યા ન હતા. મારા સુરક્ષાકર્મીઓએ કહ્યું હતું કે, આપણે આગળ ચાલી શકીશું નહીં. મારે મારી યાત્રા રોકવી પડી, બાકીના લોકો યાત્રા કરી રહ્યા હતા. ભીડને નિયંત્રિત કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે.'

આની પહેલા કોંગ્રેસના સાંસદ KC વેણુગોપાલે ટ્વીટ કર્યું હતું કે, 'સંબંધિત એજન્સીઓએ અહીં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી નથી. છેલ્લી 15 મિનિટથી ભારત જોડો યાત્રા સાથે કોઈ સુરક્ષા અધિકારી નથી. આ એક ગંભીર ભૂલ છે. રાહુલ ગાંધી અને અન્ય મુસાફરો સુરક્ષા વગર ચાલી શકતા નથી.'

રાહુલ ગાંધીએ શુક્રવારે 11 કિલોમીટર ચાલવાનું હતું, પરંતુ ભાગ્યે જ 500 મીટર ચાલ્યા બાદ તેમણે રોકાવું પડ્યું હતું. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, 'સુરક્ષાના કારણોસર, અમારે અસ્થાયી રૂપે યાત્રા અટકાવવી પડી, કારણ કે મંજૂર યાત્રાના રૂટ પર કોઈ સુરક્ષા ન હતી.'

J&K અને લદ્દાખના કોંગ્રેસના પ્રભારી રજની પાટીલે ટ્વીટ કર્યું કે J&K પ્રશાસન 'શ્રી રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું.' પાટીલે કહ્યું, 'સુરક્ષામાં બેદરકારી કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટી તંત્રનું અયોગ્ય વલણનો સંકેત આપી રહી છે.'

કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે, કાઝીગુંડ પહોંચ્યા પછી, રાહુલ ગાંધીએ યોજના મુજબ દક્ષિણ કાશ્મીરના વેસુ તરફ ચાલવાનું શરૂ કર્યું, પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ અચાનક જોયું કે સુરક્ષાની બહારની કોર્ડન (જેનું સંચાલન J&K પોલીસ દ્વારા કરવામાં આવતું હતું) ગાયબ થઈ ગયું હતું.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના બનિહાલથી આજે સવારે 'ભારત જોડો યાત્રા' નીકળી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ત્રિરંગો લઈને રાહુલ સાથે પદયાત્રા કરતા જોવા મળ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ CM અને નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ પણ બનિહાલમાં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. રાહુલની જેમ જ સફેદ ટી-શર્ટ પહેરીને ઉમરે કોંગ્રેસ પાર્ટીના હજારો સમર્થકો સાથે રાહુલ સાથે પદયાત્રામાં ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp