રેલવેની મુસાફરીમાં સામાન ચોરી થયો તો જવાબદારી કોની? કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

PC: newsclick.in

જો તમે રીતસરના રિઝર્વેશન કરાવીને ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તો સામાનને આરામથી રાખીને આગામી વખત ચિંતા વિના સૂઈ શકો છો. તમારા સામાનની સુરક્ષાની જવાબદારી રેલવેની છે. ઓછામાં ઓછી ચંડીગઢ કન્ઝ્યૂમર કોર્ટે પોતાના એક નિર્ણયમાં એ જ સાબિત કર્યું છે. ચંડીગઢ સ્ટેટ કન્ઝ્યૂમર કમિશને કહ્યું કે, જો રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટથી મુસાફરીનો સામાન ચોરી થાય છે તો તેની ભરપાઈ કરવાની જવાબદારી રેલવેની છે કેમ કે કમ્પાર્ટમેન્ટની અંદર સુરક્ષા ઉપલબ્ધ કરાવવી રેલવેનું દાયિત્વ છે.

કન્ઝ્યૂમર કોર્ટે આ નિર્ણય ટ્રેન કમ્પાર્ટમેન્ટની અંદર પર્સ છીનવી લેવાના એક કેસમાં સુનાવણી કરતા આપ્યો છે. ચંડીગઢ સ્ટેટ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ્સ રીડ્રેસલ કમિશને રેલવેને પીડિતના નુકસાનની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો. સાથે જ 50 હજાર રૂપિયા દંડ પણ જમા કરાવવા કહ્યું છે. રેલવેએ કુલ 1.55 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.

શું હતો આખો કેસ?

ચંડીગઢ સેક્ટર-28ના રહેવાસી રામવીર અને તેની પત્ની મમતા વર્મા, 5 નવેમ્બર 2018ના રોજ ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસથી મુસાફરી કરી રહ્યા હતા. તેઓ આ ટ્રેનથી ચંડીગઢ થી દિલ્હી જઈ રહ્યા હતા. આ દરમિયાન અંબાલા રેલવે સ્ટેશન પર ટ્રેનના રિઝર્વ કમ્પાર્ટમેન્ટની અંદર એક લૂંટારાએ મમતાનું પર્સ છીનવી લીધું. પર્સમાં તેની સોનાની ચેન, મોબાઈલ ફોન, 9500 રૂપિયા અને કેટલાક દસ્તાવેજ હતા. તેમણે તેના માટે રેલવે પાસે વળતર માગ્યું, પરંતુ રેલવેએ ગુનાહિત કેસ બતાવીને ના પાડી દીધી.

રામવીરે રેલવે વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કોર્ટમાં અરજી દાખલ કરી. ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી. ત્યારબાદ રામવીરે સ્ટેટ કમિશન સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને પડકાર આપ્યો. ત્યાં લગભગ 4 વર્ષ લાંબી લડાઈ લડ્યા બાદ તેમના પક્ષમાં નિર્ણય સંભળાવવામાં આવ્યો. રામવીરે કન્ઝ્યૂમર કોર્ટને જણાવ્યું કે, તેણે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં સતત શંકાસ્પદ લોકોના ફરવાની જાણકારી TTEને આપી હતી.

TTEએ તેની વાતને નજરઅંદાજ કરી દીધી. આ જ શંકાસ્પદ લોકોમાંથી એકે અંબાલા રેલવે સ્ટેશન પર તેની પત્નીના પર્સને છીનવી લીધું હતું. ત્યારબાદ નિર્ણયમાં કન્ઝ્યૂમર કમિશને કહ્યું કે, ટ્રેનની અંદર મુસાફર સાથે જ તેમના સામાનની સુરક્ષાની જવાબદારી પણ રેલવેની છે. રેલવે મંત્રાલયને રામવીરના નુકસાન માટે લગભગ 1.08 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે જ રેલવે મંત્રાલય પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp