70 રૂપિયામાં ટામેટા વેચાતા,એવી અફરાતફરી થઇ કે પોલીસ બોલાવવી પડી

PC: orissapost.com

ટામેટાના ભાવ છેલ્લાં કેટલાંક દિવસોથી આસમાની ઉંચાઇએ પહોંચેલા છે અને કિલોએ 200 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે, એવામાં સરકારે 70 રૂપિયે કિલો ટામેટા વેચવા માટે સ્ટોલ રાખ્યા તો એવી પડાપડી અને અફડાતફડી મચી ગઇ કે પોલીસને બોલાવવી પડી.ટામેટાની ખરીદી માટે આવા દિવસો કોઇએ જોયા હોય તેવું યાદ નથી.

જયપુરમાં શનિવારે  કેન્દ્રીય એજન્સી National Cooperative Consumers' Federation Of India Limited (NCCF)એ 4 સ્થળો પર 70 રૂપિયા કિલોના ભાવે ટામેટા વેચ્યા. ટામેટા વેચવાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો હતો. આ દરમિયાન જયપુરના રામનગર વિસ્તારમાં NCCFના સેન્ટર પર એટલી ભીડ ઉમટી પડી કે ધક્કા-મૂક્કી અને અફડાતફડી મચી ગઇ. ટામેટાનું વેચાણ અટકાવીને પોલીસને બોલાવવી  પડી અને પછી પોલીસની હાજરીમા જ ફરી વેચાણ શરૂ કરવામાં આવ્યું.

જયપુરમાં 4 જગ્યાઓ પર થોડી જ વાર કુલ 4000 કિલો ટામેટાનું વેચાણ કરવામાં આવ્યું. આજે પણ મોટી સંખ્યામાં લોકો ટામોટા ખરીદવામાં આવ્યા હતા, પરંતુ ઘણા લોકોએ નિરાશ થઇને પાછા જવું પડ્યું હતું, કારણકે ટામેટા ચપોચપ વેચાઇ ગયા હતા.

છેલ્લાં કેટલાંક દિવસોથી ટામેટાના ભાવ રોકેટગતિએ ઉછળી ગયા છે અને સામાન્ય લોકો માટે ટામેટા ખરીદવા મુશ્કેલ થઇ રહ્યા છે. એ વાતનું ધ્યાન રાખીને કેન્દ્ર સરકારે લોકોને સસ્તામાં ટામેટા મળી રહે તેના માટે સુવિધા ઉભી કરી છે અને  NCCF જુદા જુદા રાજ્યોમાં સ્ટોલ રાખીને લોકોને માત્ર 70 રૂપિયા કિલોમાં ટામેટા આપે છે. NCCFએ જયપુરના રામનગરમાં ટામેટા વેચવાનું શરૂ કર્યુ હતું અને સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો હતો. લોકો શાંતિથી ખરીદી કરી શકે તેટલો પુરતો સમય હતો, પરંતુ લોકો એટલા અધિરા બન્યા હતા કે 10 વાગ્યા પહેલાં જ ટામેટા ખરીદવા માટે મોટી ભીડ ભેગી થઇ હતી. NCCFએ શરૂઆતમાં લોકોને સમજાવ્યા, પરંતુ ભીડ માની નહી અને આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ આવીને દરમિયાનગીરી કરી પછી ટામેટાનું ફરી વેચાણ શરૂ કરવામાં આવ્યું.

જયપુરના મહેશ નગરમાં  રહેતા મિત્તલ સહાનીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું તો સવારે 9-30 વાગ્યે ટામેટા લેવા આવી ગઇ હતી, પંરતુ એ પહેલાં જ ભારે ભીડ ભેગી થઇ હતી અને વધારે ટામેટા ખરીદવાની હોડમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે લડાઇ થઇ ગઇ હતી. સસ્તા ટામેટા ખરીદવા માટે રીતસરની ધક્કામુક્કી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp