BJPના પોસ્ટર પર PM મોદી,નેતાઓ સાથે રામ મંદિરની તસવીર,કોંગ્રેસની ફરિયાદ પર હંગામો
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 17મી નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પહેલા BJPએ પ્રચાર માટે ભોપાલ અને ઈન્દોરમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણના હોર્ડિંગ્સ લગાવ્યા છે. હોર્ડિંગ્સ પર લખેલું છે, 'ભવ્ય રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે, આ વખતે ફરી BJP સરકાર.' કોંગ્રેસે આ હોર્ડિંગ્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને BJP વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જ્યારે, BJPનું કહેવું છે કે, હોર્ડિંગ્સ હટાવવામાં આવશે નહીં, પરંતુ કોંગ્રેસે જણાવવું જોઈએ કે, રામ મંદિર પર તેનું શું વલણ છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ કોંગ્રેસનો આરોપ છે કે, ચૂંટણી પહેલા શહેરોમાં રામ મંદિરના પોસ્ટર લગાવવા એ આદર્શ આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા કોંગ્રેસના પ્રદેશ સચિવ રાકેશ સિંહ યાદવે કહ્યું કે, 'ઈંદોરમાં રામ મંદિરના પોસ્ટરો સાથે BJP નેતાઓના ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જ્યારે મંદિર દરેકનું છે. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસે BJPના નેતાઓ સામે FIR નોંધવાની માંગ કરી છે.'
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 28 ઓક્ટોબરે મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહી છે. પ્રિયંકાએ આ મુદ્દે કહ્યું કે, BJP વિચારે છે કે ચૂંટણી સમયે ધર્મની વાત કરવાથી તેમની નાવ પાર થઈ જાય છે. BJP વિકાસની વાત કરતી નથી. તે વોટ માટે ધર્મનો મુદ્દો ઉઠાવીને લોકોની ભાવનાઓ સાથે રમત રમે છે.
કોંગ્રેસના આરોપો પછી મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસે ફરિયાદ કરી છે, તેઓને તેમાં વાંધો શું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, 'સૌથી પહેલા હું પ્રિયંકાજીને આ સવાલ પૂછવા માંગુ છું, ભગવાન રામ અને ભગવાન રામના મંદિરને લઈને તમને શું સમસ્યા છે? કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે, ભગવાન રામના મંદિર અને મહાકાલના પોસ્ટરો હટાવવા જોઈએ. પણ રામ તો દરેકના રોમ રોમમાં વસેલા છે. ભગવાન રામ વિના આ દેશનું કામ ચાલી શકે નહીં. રામ હોય, મહાકાલ હોય, આને ક્યાંયથી હટાવી શકાય નહીં, પરંતુ કોંગ્રેસે જણાવવું જોઈએ કે, તેમનો દૃષ્ટિકોણ શું છે.'
કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રદેશ BJP અધ્યક્ષ VD શર્માએ કહ્યું કે, કોંગ્રેસને બેનરો કે હોર્ડિંગ્સથી કોઈ સમસ્યા નથી પરંતુ તેમને ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની સમસ્યા છે. સનાતન પ્રત્યે કોંગ્રેસની નફરતનું સ્તર એટલું વધી ગયું છે કે, રામ મંદિરની તસવીરોથી પણ સમસ્યા થવા લાગી છે.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. મંદિરના ભોંયતળિયાનું બાંધકામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp