આ રાજ્યમાં પણ બનશે રામ મંદિર, ચૂંટણી પહેલા મુખ્યમંત્રીની જાહેરાત

PC: indiatoday.in

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન રામ મંદિર બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ બજેટ રજૂ કરતા કહ્યું કે, રામનગરમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. કર્ણાટક વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇનું બીજું અને હાલના કાર્યકાળમાં ભાજપ સરકારનું અંતિમ બજેટ હશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ કર્ણાટકમાં ચૂંટણી થવાની છે, તે પહેલા મતદારોને આકર્ષવા માટે આ જાહેરાત કરાઈ હોવાનું કહેવાય છે.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇની એપ્રિલ-મે મહિનામાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કલ્યાણકારી યોજનાઓ અને ઘણા મુખ્ય સમુદાયોની માગ પૂરી કરવા જેવી મોટી જાહેરાત કરવાની સંભાવના છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની જેમ જ કર્ણાટકમાં પણ મંદિરનું નિર્માણ કરવાનો વાયદો કર્યો છે. મુખ્યમંત્રીએ બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરતા કહ્યું કે, આગામી 2 વર્ષોમાં કર્ણાટક સરકાર 1,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંદિરો અને મઠોના વ્યાપક વિકાસ અને નવીનીકરણનું કાર્ય કરશે.

બજેટમાં બીજું શું છે?

આ કાર્યકાળના પોતાના છેલ્લા બજેટમાં કર્ણાટકની ભાજપ સરકારે ઘણા મોટા વાયદા કર્યા છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ જળ સંરક્ષણ માટે કૂવાઓ, ડેમ અને નાળા વિકસિત કરવા માટે બે પરિયોજનાઓ માટે 75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મખ્યમંત્રીએ વાહનવ્યવહારની ભીડ ઓછી કરવા માટે બેંગ્લોરમાં 5 કિલોમીટરના એલિવેટેડ રોડના નિર્માણ માટે 350 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. બેંગ્લોરમાં રસ્તાઓના નિર્માણ માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે 120 કિલોમીટરની સફેદી માટે 1,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કહ્યું કે, સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે 75 જંક્શનોને 150 કરોડમાં વિકસિત કરવામાં આવશે. બેલ્લારીમાં 100 કરોડના ખર્ચે એક મેગા ડેરીનું નિર્માણ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ વિભાગ માટે 20,494 કરોડ રૂપિયા સાથે ભૂસીરી પરિયોજના માટે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વર્ષે 77,750 કરોડ રૂપિયાની સકલ ઉધારી સાથે 3.09 લાખ કરોડના બજેટની જાહેરાત કરી છે. આ વર્ષનું બજેટ રજૂ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને શૂન્ય વ્યાજદર પર લોન આપવામાં આવશે.

અત્યાર સુધી ખેડૂતોને 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી, પરંતુ હવે લોનની રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તેની સાથે જ પાક સંરક્ષણ અને ભંડાર માટે 175 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એ સિવાય તેમણે કહ્યું કે, આગામી નાણાકીય વર્ષમાં 30 લાખ કરતા વધુ ખેડૂતોને 25,000 રૂપિયાની લોન વિતરિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ બજેટમાં મહિલાઓ માટે શ્રમ શક્તિ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ ખેતી વિહોણી મહિલા મજૂરોને દર મહિને 500 રૂપિયાની સહાયતા આપવામાં આવશે. તો બજેટમાં વિદ્યાર્થીઓ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિદ્યાર્થિનીઓને મફત બસ પાસ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp