- National
- હૉસ્પિટલે ખાલી ઑક્સિજન સિલિન્ડર સાથે દર્દીને કર્યો રિફર, રસ્તામાં જ મોત
હૉસ્પિટલે ખાલી ઑક્સિજન સિલિન્ડર સાથે દર્દીને કર્યો રિફર, રસ્તામાં જ મોત
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લા હૉસ્પિટલથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી એક યુવકનું એ સમયે મોત થઈ ગયું, જ્યારે તેને જિલ્લા હૉસ્પિટલથી રીવા મેડિકલ કોલેજ રેફર કરવામાં આવી રહ્યો હતો. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે રેફર કરતી વખત દર્દીને જે ઑક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યો હતો, તેનો ઑક્સિજન રસ્તામાં જ પૂરો થઈ ગયો, જેથી તેનું મોત થઈ ગયું. ઘટના ધ્યાનમાં આવ્યા બાદ મધ્ય પ્રદેશ માનવાધિકાર આયોગે પન્ના કલેક્ટર પાસે જવાબ માગ્યો છે.
રિપોર્ટ્સ મુજબ, 2 માર્ચના રોજ પન્નાના રહેવાસી યુવક શુભમે ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. સ્વાસ્થ્યમાં સુધાર ન થતા તેને રીવા મેડિકલ કોલેજ રેફર કરી દેવામાં આવ્યો. પરિવારજનોનો આરોપ છે કે આ દરમિયાન જે ઑક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યો હતો, તેમાં ઑક્સિજન ખૂબ ઓછો હતો, જે પન્નાથી થોડા કિલોમીટર જતા જ પૂરો થઈ ગયો અને શુભમનું રસ્તામાં જ મોત થઈ ગયું. આ અંગે કલેક્ટરે પણ પરિવારજનોને કાર્યવાહીનો ભરોસો અપાવ્યો છે.

સોમવારે મધ્ય પ્રદેશ માનવાધિકાર આયોગે નિવેદન જાહેર કરતા પન્ના જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની બેદરકારીથી એક યુવકનું મોત થઈ ગયું. યુવક પન્ના જિલ્લાનો હતો, જેને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની તબિયત બગડવા પર જિલ્લા હૉસ્પિટલ પન્નાના સ્ટાફે તેને ખાલી ઓક્સિજનના સહારે રીવા રેફર કરી દીધો. માનવાધિકાર આયોગે કહ્યું કે, શ્વાસ ન મળવા પર યુવકનું રસ્તામાં જ મોત થઈ ગયું. માનવાધિકાર આયોગે આ ઘટનાને ધ્યાનમાં લેતા પન્ના જિલ્લા કલેક્ટર પાસે આ પ્રકારની તપાસ કરાવીને 3 અઠવાડિયામાં જવાબ માગ્યો છે.
એક રિપોર્ટ મુજબ, પરિવારજનોનું કહેવું છે કે તેમને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન કરાવવામાં આવી. ત્યારબાદ પરિવારજનો ખાનગી વાહનથી રીવા મેડિકલ કોલેજ જવા માટે તૈયાર થયા. આ દરમિયાન તેમને જે ઑક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યો, તેમાં ન જેવી માત્રામાં ઑક્સિજન હતી. સિલિન્ડરની ઑક્સિજન પન્નાથી 10 કિલોમીટર દૂર જ સમાપ્ત થઈ ગઈ. જેથી શુભમ યાદવનું મોત થઈ ગયું. ત્યારબાદ મૃતકના પરિવારજનોએ જિલ્લા હૉસ્પિટલ પન્નામાં હોબાળો કર્યો.

યુવકના મોતને લઈને નેશનલ હાઇવે પર જામ કરી દેવામાં આવ્યો. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું. પ્રદર્શનકારી નેશનલ હાઇવે-39 પર પહોંચી ગયા. ત્યાં ખાલી ઑક્સિજન સિલિન્ડર રાખીને લોકોએ ચક્કાજામ કર્યો. જોત જોતમાં સતના-છતરપુર માર્ગ પરથી આવતા વાહનોના પૈડાં બંધ પડી ગયા. પ્રદર્શનકારી ડ્યુટી પરના ડૉક્ટરને હટાવવા અને તેની વિરુદ્ધ FIR નોંધાવવાની માગ કરી રહ્યા હતા.

