કોંગ્રેસે આપેલું વચન નિભાવ્યું, હિમાચલ પ્રદેશમાં જૂની પેન્શન યોજના ફરી લાગૂ

PC: twitter.com

હિમાચલ પ્રદેશના CM સુખબિંદર સિંહ સુખુએ રાજ્યમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. CM સુખબિંદર સિંહ સુખુએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં જૂની પેન્શન યોજના (OPS) એક મોટો મુદ્દો બની ગયો હતો.

CM સુખુએ ટ્વીટ કર્યું, 'કોંગ્રેસની વિચારધારા પ્રેમ, ભાઈચારા અને સત્યનું ઉદાહરણ છે. આજે, લોહરીના શુભ અવસર પર, હું હિમાચલના કર્મચારીઓની પડતર માંગ OPSને પુનઃસ્થાપિત કરવામાં ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે કર્મચારીઓ હિમાચલના વિકાસમાં સરકાર સાથે ખભે ખભા મિલાવીને સંપૂર્ણ સહકાર આપશે.'

 

તેમણે કહ્યું હતું કે, પેન્શન આત્મસન્માન આપે છે કારણ કે તેના કારણે માતા-પિતા બાળકો પર નિર્ભર નથી રહેતા. મારી માતા તેના બાળકો પર નિર્ભર નથી, કારણ કે તેની જરૂરિયાતો મારા પિતાના પેન્શન દ્વારા પૂરી થાય છે. CM સુખુએ કહ્યું કે, સરકાર કર્મચારીઓને તેમની નિવૃત્તિ બાદ સન્માનજનક જીવન જીવવાની દિશામાં કામ કરશે. તેમણે કહ્યું હતું કે, આ બાબતનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો છે અને નાણાકીય અધિકારીઓના કેટલાક વાંધાઓ હોવા છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. CM સુખુએ કહ્યું હતું કે, નવી પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના દાયરામાં લાવવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બે મોટા મુદ્દાઓ સામે આવ્યા હતા. આ મુદ્દાઓ સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપનાનો હતો અને બીજો મુદ્દો અગ્નિવીર ભરતી યોજનાનો હતો. તેમાંથી OPS અંગે ઘણી ચર્ચા થઈ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે સરકારી કર્મચારીઓને વચન આપ્યું હતું કે જો રાજ્યમાં તેની સરકાર બનશે તો તે જૂની પેન્શન યોજના લાગુ કરશે. હવે CM સુખુએ પોતાનું વચન પૂરું કર્યું છે.

 

CM સુખુએ વિધાનસભા ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. આજે તેમનું વચન પૂરું કરીને તેમણે રાજ્યના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. CM સુખુએ ગુરુવારે રાજ્ય સચિવાલયમાં કર્મચારીઓને આપેલા ભાષણમાં કહ્યું કે, અમે વોટ માટે જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરી રહ્યાં નથી, પરંતુ હિમાચલના વિકાસમાં ઇતિહાસ રચનારા કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે અને તેમની સુરક્ષા માટે આવું કરી રહ્યા છીએ.

વિધાનસભાની ચૂંટણી દરમિયાન જૂની પેન્શન સ્કીમનો મુદ્દો એટલો ગરમાયો હતો કે રાજ્યના પૂર્વ CM અને BJP નેતા પ્રેમ કુમાર ધૂમલે પણ જૂની પેન્શન સ્કીમની હિમાયત કરી હતી. ધૂમલે કહ્યું હતું કે, જે સરકારી કર્મચારીઓએ આખી જિંદગી દેશ અને રાજ્યની સેવા કરી છે તેમને સન્માનજનક પેન્શન મળવું જોઈએ.

ગયા વર્ષે નવેમ્બરમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠા હતા. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં લગભગ 4 લાખ સરકારી કર્મચારીઓ છે, જેમાં મોટી સંખ્યામાં પેન્શનરો પણ છે. જેના કારણે આ નાના રાજ્યમાં ચૂંટણી દરમિયાન આ મુદ્દો ઘણો ઉછાળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp