ચાર ધામ યાત્રામાં મહિલાઓના ટુંકા વસ્ત્રો પર આવી જશે પ્રતિબંધ, જાણો શું થયું છે

ચારધામની યાત્રા એ પિકનિક માટે નથી, પણ ધાર્મિક આસ્થા માટે છે. યુવતીઓ અને મહિલાઓ ટુંકા વસ્ત્રો પહેરીને તીર્થ યાત્રાએ ન આવે, તીર્થસ્થાનોની ગરિમાના ઉલ્લંઘનને કારણે કુદરતી આફતો આવે છે. આવી ચિંતા વ્યકત કરીને સાધુ સંતોએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.
દેવભૂમિ ઉત્તરાખંડમાં ચાર ધામ સહિત તમામ ધાર્મિક સ્થળોમાં ફેલાયેલી અશ્લીલતાથી સાધુ-સંતો ચિંતિત છે. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડની છબી ખરડાઈ રહી છે. આથી ચાર ધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ પાસેથી રજીસ્ટ્રેશન સમયે સોગંદનામું ભરાવવામાં આવે.
સાધુ-સંતોએ યાત્રિકોને મર્યાદામાં વસ્ત્રો પહેરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓએ મર્યાદાનું પાલન કરવું પડશે. સોગંદનામું ભરવા છતાં ટૂંકા કપડામાં ચાર ધામના દર્શન કરવા આવતા ભક્તો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમણે માંગણી કરી છે.
જૂના અખાડાના મહામંડલેશ્વર અને હિન્દુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રબોધાનંદ ગિરીએ હરિદ્વારમાં પત્રકારોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડ ધર્મ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. ચાર ધામ યાત્રા પર આવતા ભક્તોએ આખા ઉત્તરાખંડને પર્યટનના દૃષ્ટિકોણથી નહીં પણ તીર્થયાત્રાના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. ભક્તોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દેવભૂમિ પર આવતા સમયે તેમના કપડાની કાળજી રાખે અને તીર્થક્ષેત્રોની મર્યાદાનું પાલન કરે.
સંતોએ કહ્યું છે કે ચાર ધામમાં લોકો પિકનિક માટે આવવું એ ચિંતાનો વિષય છે. પિકનિક માટે આવવાના કારણે દેવભૂમિ ઉત્તરાખંડની છબી કલંકિત થઈ રહી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં તીર્થસ્થાનોની ગરિમાના ઉલ્લંઘનને કારણે કુદરતી આફતો આવે છે. આવી સ્થિતિમાં આપત્તિઓથી બચવા માટે ઉત્તરાખંડ સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જિલ્લામાં મંદિરના પ્રશાસકોએ યોગ્ય વસ્ત્રો ન પહેરીને આવનારા ભક્તોને ભગવાનના દર્શનથી વંચિત રાખવાનો નિર્ણય લીધો છે.
ચારધામ યાત્રા એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા છે. આ યાત્રા 22 એપ્રિલ 2023થી શરૂ થઈ છે. દર વર્ષે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી શિયાળાની ઋતુમાં 6 મહિના માટે બંધ રહે છે.ગંગોત્રી ધામના દરવાજા 22 એપ્રિલે બપોરે ખોલવામાં આવ્યા હતા. આ વખતે ચાર ધામમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp