સલમાન ખાનને ધમકી આપનારો ધાકડરામ રાજસ્થાનથી પકડાયો, પંજાબ પોલીસ પણ શોધતી હતી

PC: ndtv.com

બોલિવુડ અભિનેતા સલમાન ખાનને ઇમેલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં આરોપીઓના છેડા રાજસ્થાનના જોધપુર સાથે જોડાયા હોવાનું મળી આવ્યું છે. જોધપુર અને મુંબઇ પોલીસે  સંયુક્ત કાર્યવાહી કરીને એક આરોપીને જોધપુરના રોહિચા કલાથી ધરપકડ કરી છે. જોધપુર પોલીસે આરોપીને મુંબઇ પોલીસને સોંપી દીધો છે. આ આરોપીની શોધમાં પંજાબ પોલીસ પણ એક વખત આવી ચુકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતાને ધમકી આપવાના કેસમાં પણ વોન્ટેડ છે.

મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પોલીસે આરોપીને શોધી કાઢ્યો જેણે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મોકલ્યો હતો. તપાસ બાદ ખબર પડી કે તેના છેડા  રાજસ્થાન સાથે જોડાયેલો હતા. આના પર મુંબઈ પોલીસે જોધપુર પોલીસની મદદથી 21 વર્ષના ધાકડરામ બિશ્નોઇની ધરપકડ કરી  છે. ધાકડરામ જોધપુરના લુની પોલીસ સ્ટેશન વિસ્તારના સિયાગોની ધાની રોહિચા કલાંનો રહેવાસી છે. આ બાબતને લઈને મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર બજરંગ જગતાપ તેમની ટીમ સાથે લુની પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બાદમાં જોધપુર પોલીસની મદદથી ધાકડરામ ઝડપાયો હતો.

પંજાબની પોલીસ પણ આરોપી ધાકડરામની શોધમાં જોધપુર આવી હતી.  એક કેસમાં પણ ધાકડરામ ગાયક સિદ્દુ મુસેવાલાના પિતાને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં વોન્ટેડ હોવાનું કહેવાય છે. જોકે, સોશિયલ મીડિયા પર ફિલ્મસ્ટાર સલમાન ખાન અને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને પકડીને મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે જ્યારે ધાકડરામનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો ત્યારે સામે આવ્યું કે તેની સામે જોધપુરના સરદારપુરામાં વર્ષ 2022માં આર્મ્સ એક્ટનો કેસ નોંધાયેલો છે.

પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો જેની પર આરોપ છે તે લોરેન્સ બિશ્નોઇએ જોધપુરની કોર્ટમાં હાજરી આપતી વખતે સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જે બાદ સલમાનના એડવોકેટને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો પણ સામે આવ્યો હતો. હવે ફરી એકવાર, સલમાનને આરોપી ધાકડરામ દ્વારા ધમકી આપવામાં આવ્યા બાદ, લોરેન્સ બિશ્નોઈ સાથે તેનું કનેક્શન હોવાની શક્યતા માનવામાં આવી રહી છે.

મુંબઈ પોલીસ ધાકડરામને લઇને જોધપુરથી નિકળી કે થોડી જ વારમાં  પંજાબ પોલીસ પણ ધાકડરામને લેવા લુની પહોંચી ગઈ હતી. હવે પંજાબ પોલીસ પણ પૂછપરછ માટે ધાકડરામને પંજાબ લઈ જશે. પોલીસ કમિશનર રવિદત્ત ગૌડે જણાવ્યું કે મુંબઈ પોલીસની સૂચના પર અમે તેને રોહિચા કલાંથી  પકડીને મુંબઇ પોલીસને સોંપી દીધો છે.

ધાકડરામે સલમાન ખાનને ઇમેલ કરીને ધમકી આપી હતી કે જેવા હાલ સિદ્ધુ  મુસેવાલાના થયા હતા તેવા તારા પણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp