સમેદ શિખર હવે પર્યટન ક્ષેત્ર રહેશે નહીં: કેન્દ્રએ જૈન સમુદાયની માગ સ્વીકારી
ઝારખંડના પારસનાથમાં સ્થિત જૈન સમુદાયનું પવિત્ર તીર્થસ્થળ સમેદ શિખર હવે પ્રવાસન ક્ષેત્ર રહેશે નહીં. કેન્દ્ર સરકારે ગુરુવારે ત્રણ વર્ષ પહેલા બહાર પાડેલો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં તમામ પર્યટન અને ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે આ માહિતી આપી હતી.
ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે દિલ્હીમાં જૈન સમુદાયના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. મીટિંગ પછી, યાદવે કહ્યું, જૈન સમુદાયના લોકોને મળ્યા જેમણે ઝારખંડના પારસનાથ પર્વત પર સ્થિત જૈનોના પવિત્ર તીર્થસ્થળ સમેદ શિખરની પવિત્રતાનું રક્ષણ કરવા વિનંતી કરી. તેમને આશ્વાસન આપ્યું કે PM નરેન્દ્ર મોદીની સરકાર સમેદ શિખર સહિત જૈન સમાજના તમામ ધાર્મિક સ્થળો પર તેમના અધિકારોની રક્ષા અને જાળવણી માટે પ્રતિબદ્ધ છે.
2019માં કેન્દ્ર સરકારે સમેદ શિખરને ઈકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યો હતો. આ પછી, ઝારખંડ સરકારે જિલ્લા વહીવટીતંત્રની ભલામણ પર તેને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરતો ઠરાવ બહાર પાડ્યો. ગિરિડીહ જિલ્લા પ્રશાસને નાગરિક સુવિધાઓ વિકસાવવા માટે 250 પાનાનો માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો છે.
શા માટે સમેદ શિખરજી આટલા મહત્વપૂર્ણ છે? સમેદ શિખરજી, જૈન ધર્મનું તીર્થસ્થાન, ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ ટેકરી પર આવેલું છે. આ ટેકરીનું નામ જૈનોના 23મા તીર્થંકર પારસનાથના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે ઝારખંડના સૌથી ઊંચા શિખર પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે, જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોએ અહીં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તેથી જ તે જૈનો માટે સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક છે. આ ટેકરી પર ટોક્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં તીર્થંકરોના ચરણ હાજર છે. એવું માનવામાં આવે છે કે, અહીંના કેટલાક મંદિરો બે હજાર વર્ષથી પણ જૂના છે. જૈન ધર્મમાં માનતા લોકો દર વર્ષે સમેદ શિખરજીની મુલાકાત લે છે. લગભગ 27 કિલોમીટરની આ યાત્રા પગપાળા જ પૂરી કરવાની હોય છે. એવું માનવામાં આવે છે કે જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ સ્થાનની યાત્રા કરવી જ જોઈએ.
જૈન સમાજને વાંધો છે કે, આ એક પવિત્ર પૂજા સ્થળ છે અને પ્રવાસીઓના આવવાથી તે પવિત્ર નહીં રહે. જૈન સમાજને આશંકા છે કે તેને પર્યટન સ્થળ બનાવવાથી અસામાજિક તત્વો પણ અહીં આવી જશે અને અહીં દારૂ અને માંસનું સેવન પણ થઈ શકે છે. જૈન સમાજની માંગ છે કે આ સ્થળને ઈકો ટુરીઝમ તરીકે જાહેર કરવામાં ન આવે. તેના બદલે તેને પવિત્ર સ્થળ જાહેર કરવું જોઈએ, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. સમગ્ર પારસનાથ ટેકરીને પવિત્ર સ્થળ તરીકે જાહેર કરવાની જૈન સમાજના લોકો માંગ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા વિશ્વ હિંદુ પરિષદે પણ એક બેઠક યોજીને સરકાર સમક્ષ આ જ માંગણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp