સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે, રામ મંદિર રાષ્ટ્રીય મંદિર છે: CM આદિત્યનાથ

PC: hindi.oneindia.com

UPના CM યોગી આદિત્યનાથના નિવેદનથી ભારે વિવાદ થયો હતો. CM યોગીએ કહ્યું છે કે, આપણો સનાતન ધર્મ એ ભારતનો 'રાષ્ટ્રીય ધર્મ' છે. આ સિવાય તેમણે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને ‘રાષ્ટ્રીય મંદિર’ ગણાવ્યું છે.

CM યોગી આદિત્યનાથ 27 જાન્યુઆરીએ રાજસ્થાનના જાલોરમાં હતા. ત્યાં તેમણે નીલકંઠ મહાદેવ મંદિરના એક કાર્યક્રમમાં પહોંચેલા લોકોને સંબોધિત કર્યા હતા. દરમિયાન CM યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, 'આજે આ ધાર્મિક કાર્યક્રમમાં જે પ્રકારની એકતા જોવા મળી રહી છે. ના કોઈ જાતિ, ના કોઈ ભેદ, ના કોઈ ધર્મ, આપણે બધાએ આ ભાવનાને રોજિંદા જીવનમાં પણ સ્વીકારવી પડશે.'

CM યોગી આદિત્યનાથના કહેવા પ્રમાણે, 'આપણો સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. આપણે બધા આપણા અંગત હિતોથી ઉપર ઊઠીને આ રાષ્ટ્રીય ધર્મમાં જોડાઈએ. આપણો દેશ સુરક્ષિત રહે, આપણા ગાય બ્રાહ્મણોનું રક્ષણ થાય. કોઈ કાળક્રમે જો આપણા પવિત્ર ધર્મ સ્થળોને અપવિત્ર કરવામાં આવ્યા હોય તો, તેમની પુનઃસ્થાપન માટેની ઝુંબેશ આગળ વધવા દો. આ અભિયાન હેઠળ તમે જોયું હશે કે, 500 વર્ષ પછી PM મોદીના પ્રયાસોથી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે.'

CM યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, ભારતની ભાવનાઓ અનુસાર આજે ભારતનું રાષ્ટ્રીય મંદિર ભગવાન રામના ભવ્ય મંદિર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. CM યોગી આદિત્યનાથે કહ્યું કે, તે ભવ્ય મંદિરનું નિર્માણ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 1400 વર્ષ પછી નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર એ વિરાસતની જાળવણીનું ઉત્તમ ઉદાહરણ છે.

જાલોરમાં નીલકંઠ મંદિરના જીર્ણોદ્ધારનો ઉત્સવ 11 દિવસથી ચાલે છે. આ પ્રસંગે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા. શેખાવત અને CM આદિત્યનાથે આ કાર્યક્રમમાં રૂદ્રાક્ષનું છોડ પણ રોપ્યું હતું.

CM આદિત્યનાથે કહ્યું, 'ધર્મના વાસ્તવિક સારને સમજવા માટે રાજસ્થાનની મુલાકાત લેવી જરૂરી છે.'

CM યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે 'શેખાવતે લખનઉમાં તેમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું. તેથી, હું તેમનું આમંત્રણ નકારી શક્યો નહીં.' ભાષણ દરમિયાન CM યોગી આદિત્યનાથે ભારતમાં બ્રાહ્મણો અને ગાયોના રક્ષણ માટે પણ આહ્વાન કર્યું હતું.

CM યોગી આદિત્યનાથના નિવેદન પર કોંગ્રેસના નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વીટર પર લખ્યું કે, 'પહેલા જણાવો કે સનાતન ધર્મમાં મહિલાઓ, દલિતો અને પછાત લોકોનું સ્થાન ક્યાં છે, પછી આગળ વાત કરીએ.' તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, 'આપણો સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે: CM યોગીએ કહ્યું, અર્થાત શીખ, જૈન, બૌદ્ધ, નિરંકાર, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મ સમાપ્ત થઈ ગયા.'

રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની હોવાથી, એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં તેના પ્રચાર માટે પહેલેથી જ સૂર સેટ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp