Video: સરપંચે 2 લાખ હવામાં ઉડાવ્યા; BDOએ કૂવાના ક્લિયરન્સ માટે 12% લાંચ માગેલી

PC: enavabharat.com

મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના ગેવરાઈ પાયગા ગામના સરપંચ મંગેશે શુક્રવારે બપોરે પંચાયત સમિતિની ઓફિસ સામે 2 લાખ રૂપિયાની નોટો હવામાં ઉડાવી દીધી હતી. હકીકતમાં, આવું તેમણે એટલા માટે કર્યું કે, પંચાયત સમિતિના એક અધિકારી દ્વારા કૂવાના બાંધકામની દરખાસ્ત મંજૂર કરાવવાના નામે કુલ બજેટમાંથી 12% લાંચની માંગણી પર તે ગુસ્સે થયો હતો. આ ઘટનાક્રમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નોટો ઉડાડતો જોવા મળે છે.

સરપંચ મંગેશે જણાવ્યું હતું કે, પંચાયત સમિતિની કચેરીએ કૂવા, ઢોરના શેડ અને કેનાલો જેવા પ્રોજેક્ટ મંજૂર કરવા માટે લાંચની ચોક્કસ ટકાવારી નક્કી કરી રાખી છે. જેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઘોર ઉપેક્ષા થઈ રહી છે.

સરપંચ મંગેશ સાબલે શુક્રવારે નોટોની એક માળા પહેરીને પંચાયત સમિતિ ઓફિસ સામે વિરોધ દર્શાવ્યો હતો અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ વિરોધ દરમિયાન, તેણે લગભગ 2 લાખ રૂપિયા હવામાં ઉડાવી દીધા હતા. સરપંચ મંગેશે એમ પણ કહ્યું કે, જો જરૂર પડશે તો તે ગરીબ ખેડૂતો માટે આ જ રીતે વધુ પૈસા લાવશે અને ઉડાવી દેશે. આ દરમિયાન આસપાસના કેટલાક બાળકો જમીન પર પડેલી નોટો ઉપાડીને ભાગી ગયા હતા અને કેટલીક નોટો ત્યાં જ પડી રહી હતી.

સરપંચ મંગેશ સાબલેએ જણાવ્યું કે, તેમના ગામમાં કૂવા માટે 20 પ્રસ્તાવ છે. બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO)તે દરખાસ્તોને મંજૂર કરવા માટે કુલ બજેટના 12%ની માંગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, બુધવારે જુનિયર એન્જિનિયર ગાયકવાડ અને ગ્રામ રોજગાર સેવક 1 લાખ રૂપિયા લઈને BDO પાસે પહોંચ્યા હતા, પરંતુ તેમણે પૈસા સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેઓ તો માત્ર 12% પૈસા જ લેશે. તેથી જ આજે હું પોતે 2 લાખ રૂપિયા લઈને અહીં આવ્યો છું.

સરપંચે લાંચ માગતા અધિકારીઓને પડકાર ફેંક્યો કે, જો તેઓ ગામના વિકાસમાં અવરોધ ઉભો કરશે તો જરૂર પડ્યે તેઓ ગરીબ ખેડૂતો માટે આવી નોટોનો વરસાદ કરતા રહેશે. જોકે, મોટાભાગની નોટો ભેગી કરીને સરપંચ મંગેશને પરત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp