અસ્થિ ભેગા કરતા વખતે મળી કાતર, પુત્રનો આરોપ ડૉક્ટરે પેટમાં છોડી દીધી હતી

PC: patrika.com

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પરિવારે હોસ્પિટલના ડોકટર પર ચોંકાવનારો આરોપ મુક્યો છે. જ્યારે મૃતકના અસ્થિ ભેગા કરવામાં આવી રહ્યા હતા તે વખતે એક કાતર મળી આવી છે. પુત્રએ પોલીસમાં તબીબની લાપરવાહીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને કારણે રાજસ્થાન સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. જો કે ખાનગી હોસ્પિટલે પરિવારના આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે, અમારી પાસે બધા પુરાવા છે.

 જયપુરમાં દર્દીના પેટમાં કાતર છોડવાનો કિસ્સો સામે આવ્યો છે. ગુરુવારે સ્મશાનમાં અસ્થિઓ ભેગા કરતી વખતે પરિવારને આ કાતર મળી આવી હતી. મૃતકના પુત્રએ જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં તેના પિતાની સર્જરી વખતે તબીબોએ તેના પેટમાં કાતર છોડી હોવાનો આક્ષેપ કરીને લેખિત ફરિયાદ આપી છે.

માનસરોવર નિવાસી મૃતક ઉપેન્દ્ર શર્માના પુત્ર કમલ શર્માએ કહ્યું કે, તેમણે 29 મેના દિવસે પિતાની બાયપાસ સર્જરી માટે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ હોસ્પિટલમાં 30 મેના દિવસે ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી ડોકટરોએ અમારી મંજૂરી વગર જ બીજી સર્જરી કરી નાંખી હતી અને અમારી પાસે 4 લાખ રૂપિયા જમા કરાવડાવ્યા હતા.

કમલ શર્માએ કહ્યું કે 12 જૂન રાત્રે મારા પિતાનું અવસાન થઇ ગયું હતું. બીજા દિવસે પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે અસ્થિ લેવા ગયા ત્યારે તેમાંથી કાતર મળી આવી હતી. જો કે હોસ્પિટલના સંચાલકોએ કમલ શર્માના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

સ્ટેશન ઓફિસર સુરેન્દ્ર સૈનીનું કહેવું છે કે પીડિત પક્ષ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર ફરિયાદ નોંધ્યા બાદ એસએમએસ હોસ્પિટલને તપાસ માટે રિપોર્ટ આપવામાં આવ્યો છે.

ફોર્ટિસ હોસ્પિટલ જયપુરના રિજિયોનલ ડિરેકેટર નીરવ બંસલનું કહેવું છે કે પરિવારનો આરોપ ખોટો અને દુર્ભાગ્યપૂર્ણ છે. હોસ્પિટલમાં સર્જરી પછીના તમામ ટેસ્ટ રિપોર્ટ્સ અને એક્સ-રે છે, જે પુષ્ટિ કરે છે કે દર્દીના શરીરમાં કોઈ સર્જિકલ કાતર કે અન્ય કોઈ બહારની વસ્તુ નહોતી.

રાજસ્થાનના આરોગ્ય મંત્રી પરસાદીલાલ મીણાની સૂચના પર, વિભાગે આ મામલાની તપાસ કરવા માટે જાહેર આરોગ્ય નિયામક ડૉ. રવિ પ્રકાશ માથુરની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. અધિક નિયામક હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન સુશીલ કુમાર પરમાર અને ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર જયપુર બીએલ મીણાને કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp