શક્તિ પ્રદર્શન બાદ શરદ પવારે જુઓ અજીત પવાર અને NCPના ભવિષ્ય વિશે શું કહ્યું

PC: timesofindia.indiatimes.com

મહારાષ્ટ્રમાં રાજકીય કમઠાણ હજુ ચાલી જ રહ્યું છે અને ભત્રીજા અજિત પવારના બળવા પછી શરદ પવાર પણ પોતાના ચોકઠાં ગોઠવવામાં લાગેલા છે.NCP અને ચૂંટણી સિમ્બોલના અજિત પવારના દાવા પછી હવે શરદ પવારે જવાબ આપ્યો છે.

NCPના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, જે ધારાસભ્યોએ અલગ થવાનો નિર્ણય લીધો, તેમણે અમને વિશ્વાસમાં નહોતા લીધા. અજિત પવાર જૂથે કોઇ પણ પ્રક્રીયાનું પાલન નથી કર્યું. શરદ પવારે કહ્યું કે NCPનું અમારો ચૂંટણી સિમ્બોલ અમારી પાસે જ છે, એ કશે જવાનું પણ નથી. જે લોકો અને પાર્ટીના કાર્યકરો અમને સત્તામાં લાવ્યા છે, તે અમારી સાથે છે. ભલે હું સત્તામાં નથી, પરંતુ હું મારા પોતાના લોકો અને રાજ્યની જનતાની વચ્ચે જ છું.

રાજકારણના ધૂંરધંર નેતા ગણાતા શરદ પવારે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે PM મોદીએ ભોપાલની રેલીમાં અમારી પાર્ટી વિશે ઘણું બધું કહ્યું હતું. આમ છતા તમે અમારી પાર્ટીના નેતાઓને તમારા ગઠબંધનમાં જગ્યા આપી. ભોપાલમાં PM મોદીએ NCP પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.શરદ પવારે આગળ કહ્યું કે, અજિતે આજે જે કહ્યું તે સાંભળીને દુખ થયું છે,તમે ખોટું કર્યું છે તો સજા માટે તૈયાર રહેજો.

મુંબઇમાં પોતાના જૂથના નેતાઓ સાથેની બેઠકમાં NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે જો અજિત પવારને કોઇ સમસ્યા હતી તો મારી સાથે આવીને વાત કરવી જોઇતી હતી. જો તેના મનમાં કંઈક હતું, તો તે મારો સંપર્ક કરી શકતો હતો.તેમણે કહ્યું કે ભાજપ NCPને ભ્રષ્ટ કહે છે, તો તમે NCP સાથે હવે ગઠબંધન કેમ કર્યું? ઉદ્ધવ ઠાકરે સાથે જે બન્યું તેનું પુનરાવર્તન થયું. આખો દેશ જોઈ રહ્યો છે.

અજિત પવાર જૂથ માટે શરદ પવારે કહ્યું કે કાર્યકર્તાઓએ કષ્ટ સહન કર્યું છે. ત્યાર બાદ તેમના સારા દિવસો આવ્યા છે. જે વિચારધારાનો તમે વિરોધ કર્યો તેની સાથે જવું યોગ્ય નથી. અમારું ચૂંટણી ચિન્હ ક્યાંય જશે નહીં અને અમે તેને ક્યાંય જવા દઈશું નહીં. તમે તેમની સભામાં જોયું હશે કે મારી તસવીર પાછળ લગાડવામાં આવી હતી. તેઓ જાણે છે કે મારા વિના તેમનો સિક્કો ચાલવાનો નથી.

શરદ પવારે કહ્યું કે રાજનીતિમાં સંવાદ આજે ખતમ થઈ ગયો છે. જો રાજકારણમાં કંઇક ખોટું થતું હોય તો નેતાઓએ એ વાત સાંભળવી જોઇએ.સંવાદ રાખવાનો હોય છે. જો સંવાદ ન થાય તો દેશમાં અસ્વસ્થતા આવે છે. જો કંઈક ખોટું થઈ રહ્યું છે, તો તેને સુધારવું પડશે. સંકટ મોટું છે, આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે.

શરદ પવારે કહ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે NCPએ 70,000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. પવારે કહ્યું કે આ આરોપ પાયાવિહોણો છે. એક તરફ તમે અમારી પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવો છો, પછી બીજા જ દિવસે અમારી પાર્ટીના નેતાઓને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બનાવો છો.

દરમિયાન, બધાને ચોંકાવી દેતા અજિત પવારે દાવો કર્યો છે કે 30 જૂને એક કાર્યકારી બેઠક યોજાઈ હતી, જેમાં શરદ પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ NCP પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમણે કહ્યું કે પ્રફુલ પટેલે આ બેઠક બોલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp