માતાના અંતિમ સંસ્કારને લઈ ભાઈ-બેન લડ્યા, બેને કહે-દફનાવો, ભાઈ કહે-અગ્નિદાહ આપો

PC: twitter.com

હૈદરાબાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે માતાના અંતિમ સંસ્કારને લઈને ભાઈ-બહેન વચ્ચે બોલાચાલી થઈ હતી. મહિલાનો દીકરો કહી રહ્યો હતો કે, હિંદુ ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જ્યારે દીકરી કહી રહી હતી કે, માતાને મુસ્લિમ પરંપરા અનુસાર દફનાવવામાં આવશે. બંને અલગ-અલગ ધર્મમાં માનતા હતા. બંને વચ્ચે વિવાદ વધી ગયો અને હૈદરાબાદના મદન્નાપેટ વિસ્તારમાં તણાવ સર્જાયો. જ્યારે પોલીસે રસ્તા પર લોકોને એકઠા થતા જોયા તો તેઓએ આ મામલે દરમિયાનગીરી કરી. પોલીસે આ મામલાની તપાસ કરી અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી વચલો રસ્તો શોધી કાઢ્યો.

હકીકતમાં, દરબ જંગ કોલોનીમાં તંગ વાતાવરણ હતું, જ્યારે નજીકના ચાદરઘાટમાં રહેતી 95 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પછી, મહિલાના પુત્ર અને પૌત્ર તેમની હિંદુ પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવા માંગતા હતા. જ્યારે મહિલાની પુત્રી મુસ્લિમ રીતિ અનુસાર માતાને દફનાવવા માંગતી હતી. જેના કારણે ભાઈ-બહેન વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.

હકીકતમાં, મહિલાની 60 વર્ષની પુત્રીએ બે દાયકા પહેલા ઇસ્લામ કબૂલ કર્યો હતો. તેણે કહ્યું કે તે છેલ્લા 12 વર્ષથી તેની બીમાર માતાની સંભાળ લઈ રહી છે અને તેની માતાએ પણ ઈસ્લામ કબૂલ કર્યો છે. તેમની અંતિમ ઈચ્છા હતી કે, ઈસ્લામ ધર્મની પરંપરા અનુસાર તેને દફનાવવામાં આવે.

પુત્રીએ કહ્યું કે, 'મારી માતા છેલ્લા 12 વર્ષથી મારી સાથે રહેતી હતી. હું જ તેની સંભાળ રાખતી હતી. કોઈએ તેની સાર સંભાળ લીધી નહીં. તાજેતરમાં જ મેં રૂ. 5 લાખમાં તેની સર્જરી કરાવી. મદદ માટે કોઈ પણ આગળ ન આવ્યું. માતાએ કહ્યું હતું કે, તેના મૃત્યુ પછી તેને કોઈ પૂછવા નહીં આવે. તેમણે કહ્યું કે, તેમને અંતિમ સંસ્કારમાં દફનાવવામાં આવશે.' આ પછી દીકરીએ વીડિયો અને દસ્તાવેજો રજૂ કર્યા. જે મુજબ તેની માતાએ જાન્યુઆરી 2023માં ઈસ્લામ અંગીકાર કર્યો હતો.

આ બાબતે બંને તરફના લોકો રસ્તા પર એકઠા થવા લાગ્યા હતા. થોડી જ વારમાં ત્યાં ભારે ભીડ એકઠી થઇ ગઈ હતી. મામલો વણસતો જોઈ પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પાડ્યો હતો. દિકરીનું મન રાખવા તેમના ઘરે મૃતક મહિલાની અંતિમ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પછી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પુત્રને સોંપવામાં આવ્યો હતો. બંને ભાઈ-બહેન આ નિર્ણય માટે સંમત થયા. ત્યાર પછી તણાવનો અંત આવ્યો અને મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp