નીતિન ગડકરીએ કહ્યુ- VIP કારોમાં હવે સાયરન નહીં વાગશે તેને બદલે વાંસળી..

PC: theprint.in

તમે રસ્તા પરથી પસાર થતા હો અને કોઇ VIP કારમાંથી વાંસળી, તબલા કે શંખનો મધુર ધ્વનિ સંભળાઇ તો ચોંકી ન જતા. કેન્દ્ર સરકાર હવે VIP કારમાં કર્કશ સાયરનને બદલે સંગીતના સૂરો રેલાવશે.

પુણે ચાંદની ચોક ફ્લાયઓવર પ્રોજેક્ટના ઉદઘાટન માટે પહોંચેલા કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ VIP કારના સાયરન સંદર્ભે મહત્ત્વની જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રાલયે  VIP કારોમાં હોર્ન અને સાયરનનના લાઉડ અવાજમાં બદલાવ કરવાના નિયમો તૈયાર કરી લીધા છે. લોકોને હવે સાયરનોના કર્કશ અવાજને બદલે ભારતીય સંગીત વાદ્યો જેવા કે વાંસળી, તબલા અને શંખના સુમધુર સંગીતની સુરાવલી સાંભળવા મળશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હમેંશા નવી નવી યોજનાઓની જાહેરાત કરતા રહે છે પુણેના કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે VIP કારોમાં સાયરન હટાવવાના ઘણા ફાયદા થશે. તેને કારણે ધ્વનિ પ્રદુષણમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે મારું મંત્રાલય એવી જોગવાઇ કરી રહ્યું છે જેને કારણે લોકોને સાયરનના કર્કશ અવાજમાંથી મૂક્તિ મળશે.

નીતિન ગડકરીએ કહ્યું કે હવે કેન્દ્રીય રોડ ટ્રાન્સ્પોર્ટ અને  હાઇવે મંત્રાલયે લાઉડ સાયરનને દૂર કરવાની યોજના બનાવી છે. અમે વાહનોમાં ભારતીય સંગીતનાં સાધનોનો અવાજ સ્થાપિત કરવાની યોજના બનાવી છે, જેને લોકો વધુ સારી રીતે સાંભળવા માંગશે. ગડકરીએ કહ્યું કે તેઓ નસીબદાર છે કે તેમને VIP વાહનો પરથી લાલ બત્તી હટાવવાની તક મળી. હવે તેઓ VIP વાહનોમાંથી સાયરન હટાવવાની યોજના બનાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે 1 મે 2017ના દિવસે પ્રધાનમંત્રી સહિત બધા મંત્રીઓ અને અધિકારીઓના વાહનો પર લાલ બત્તી પર પ્રતિબંધ મુકી દીધો હતો. સરકારે નિર્ણય કર્યો હતો કે માત્ર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગ્રેડ જેવા ઇમરજન્સી વાહનો માટે લાલી બત્તીનો ઉપયોગ કરવામાં આવશે. આ પગલાંને દેશમાં VIP કલ્ચરને ખતમ કરવાના એક મોટા પગલા તરીકે જોવામાં આવ્યું હતું.

ગડકરીએ ચાંદની ચોક ફ્લાયઓવર પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું  કે પ્રોજેક્ટમાં કુલ ચાર ફ્લાયઓવર, એક અંડરપાસ અને બે નવા અંડરપાસ બનાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રના પુણે શહેરમાં ટ્રાફિકને ઓછો કરવાનો છે. ગડકરીએ કહ્યુ કે 16.98 કિ.મી લાંબો પુલ પુણે શહેર અને જિલ્લામાં ટ્રાફીકની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp