રાજસ્થાનઃ પાકિસ્તાનથી મોકલાયેલી હેરોઇન લેવા આવેલા તસ્કરોએ BSF પર ફાયરિંગ કર્યું

PC: msn.com

રાજસ્થાનના શ્રીગંગાનગરના રાયસિંહનગરમાં સરહદ પર ફરી એકવાર પાકિસ્તાનનું નાપાક કૃત્ય સામે આવ્યું છે. સરહદ પારથી ડ્રોન દ્વારા હેરોઈનના 6 પેકેટ ભારતીય સરહદમાં ઉતારવામાં આવ્યા હતા. તેની કિંમત 15 કરોડ રૂપિયા છે. કારમાંથી તેની ડિલિવરી લેવા આવેલા તસ્કરોએ BSF જવાનો પર ફાયરિંગ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદ પારથી હેરોઈનના છ પેકેટ ભારતીય સરહદમાં પાડવામાં આવ્યા હતાં. તેને લેવા માટે કારમાં આવેલા તસ્કરોએ BSF જવાનો પર ફાયરિંગ કર્યું હતું. આના પર જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરીને બે તસ્કરોને સ્થળ પરથી પકડી પાડ્યા હતા. જો કે બાકીના તસ્કરો વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

તસ્કરોની શોધમાં પોલીસ અને BSFની સંયુક્ત ટીમે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. બીજી તરફ સરહદી ગામના કેટલાક ગ્રામજનોએ કેનાલ પાસે તસ્કરોનું વાહન જોઈ પોલીસને જાણ કરી હતી.

આના પર સીમા સુરક્ષા દળ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વાહનની તલાશી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે, તસ્કરોની કારમાંથી મોબાઈલ ડોંગલ, તસ્કરોના કપડા અને અન્ય વસ્તુઓ મળી આવી છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે અને પકડાયેલા તસ્કરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આના પહેલા ગયા વર્ષે રાજસ્થાનમાં BSFએ પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ રાજસ્થાનની પાકિસ્તાન સરહદ નજીકના બાડમેરમાંથી 14 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. આ હેરોઈનને ઝાડીઓ વચ્ચે સંતાડીને રાખવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ દવાની કિંમત 35 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વાસ્તવમાં, BSF ટીમને ઈનપુટ મળ્યો હતો કે, સરહદના ગદરા રોડ વિસ્તારના ગામમાં સરહદ પારથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ આવવાનું છે. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં BSF ટીમને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ઝાડીઓમાં એક શંકાસ્પદ પેકેટ મળ્યું હતું.

ટીમ દ્વારા પેકેટની તલાશી લેવામાં આવતા તેમાંથી હેરોઈન મળી આવ્યું હતું. BSFએ હેરોઈન કબજે કર્યું હતું અને રિકવરી પોલીસ સ્ટેશન ગદરા રોડમાં નોંધવામાં આવી હતી. આ દરમિયાન અનેક લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતાં.

લાંબા સમયથી ભારત-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનની દાણચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સરહદી વિસ્તારોમાંથી BSF અનેક વખત હેરોઈન જપ્ત કરી ચૂક્યું છે. અનેક વખત દાણચોરો પણ ઝડપાઈ ચૂક્યા છે. આ વિસ્તારના સ્થાનિક દાણચોરો સરહદ પાર પાકિસ્તાનના દાણચોરો સાથે મળેલા હોય છે. સ્થાનિક દાણચોરો ડ્રોન દ્વારા ભારતીય સરહદ સુધી પહોચાડાયેલા હેરોઇનને પંજાબમાં સપ્લાય કરે છે. ડ્રોન દ્વારા દાણચોરીના વધતા જતા કિસ્સાઓ પછી BSFએ પોતાની સતર્કતા વધારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp