માએ દીકરાની હત્યા કરી લાશ ટેન્કમાં સંતાડી, પોલીસ સામે મગરના આંસુ વહાવતી

PC: aajtak.in

ગાઝિયાબાદના મોદીનગરમાં 11 વર્ષના બાળકની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બાળકની સાવકી માતા પર હત્યાનો આરોપ છે. હત્યા કર્યા પછી બાળકની લાશને પથ્થર બાંધીને ઘરની અંદરની સેપ્ટિક ટાંકીમાં ફેંકી દીધી હતી. આ કામમાં પડોશની એક મહિલાએ તેની મદદ કરી. હાલ પોલીસે મૃતકની સાવકી માતા અને આ ઘટનામાં તેને સાથ આપનાર પાડોશીની ધરપકડ કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, સંબંધોને શરમજનક બનાવવાની આ ઘટના ગાઝિયાબાદના મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુરીની ડબલ સ્ટોરી કોલોનીમાં બની હતી. જ્યાં ગત રવિવારે 11 વર્ષનો શબ્બી અચાનક ગુમ થઈ ગયો હતો. બાળક ઘરે ન મળતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘણી તપાસ કર્યા પછી આખરે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં બાળકને શોધવાનો પ્રયાસ કર્યો હતો અને નજીકમાં લગાવેલા CCTV કેમેરાની પણ શોધખોળ કરી હતી પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. દરમિયાન પોલીસે જ્યારે ઘરની સામે લગાવેલા CCTVના ફૂટેજ ચેક કર્યા તો તેમને જાણવા મળ્યું કે ગુમ થયેલ માસૂમ બાળક શબ્બી ઘરની બહાર નીકળ્યો જ નથી. ત્યાર પછી પોલીસે ઘરની અંદર બાળકને શોધવાનું શરૂ કર્યું.

બાળકના દાદાના કહેવા પ્રમાણે, જ્યારે પોલીસે પરિવારના કહેવા પર ઘરની અંદર તપાસ શરૂ કરી તો તેમને સેપ્ટિક ટાંકીમાં પથ્થર સાથે બાંધેલી લાશ મળી. આ જોઈને ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દ્રશ્ય જોઈ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. બાળકની સાવકી માતાને કસ્ટડીમાં લઈ કડક પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ACP મોદીનગર જ્ઞાનચંદ રાયે જણાવ્યું કે, પોલીસને ગોવિંદપુરીના રહેવાસી રાહુલ સેન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તેમનો પુત્ર શબ્બી ગુમ છે. કેસ નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરવામાં આવી, ત્યારે CCTV ફૂટેજના આધારે ઘરની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર પછી બાળકનો મૃતદેહ સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો. પરિવારજનોની કડક પૂછપરછ કરતાં મૃતક બાળકની સાવકી માતા રેખાએ કબૂલ્યું હતું કે, તેણે શબ્બીની હત્યા કરી લાશને ટાંકીમાં નાખી દીધી હતી. જોકે, આ પહેલા તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. ખોટું ખોટું રડી પણ હતી.

પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, બાળકની હત્યામાં રેખાની સાથે અન્ય એક પાડોશી મહિલા પૂનમ પણ સામેલ હતી. ત્યાર પછી બંને મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ ઘટના પાછળનું સાચું કારણ શોધવામાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેખા રાહુલ સેનની બીજી પત્ની હતી. તે તેના સાવકા પુત્ર શબ્બીને પસંદ કરતી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp