માલદામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, શુભેંદુ અધિકારીની NIA તપાસની માંગ

PC: twitter.com/ANI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ જ પશ્ચિમ બંગાળના હાવડામાં દેશની સાતમી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્દઘાટન કર્યું હતું. ઉદ્દઘાટનના માત્ર 4 દિવસ બાદ જ આ સેમી સ્પીડ ટ્રેન પર પથ્થરમારો થયો છે. જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું હતું, એ જ દિવસે તેમના માતા હીરાબાનું નિધન થયું હતું. તેઓ અંતિમ સંસ્કાર બાદ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઘટના પશ્ચિમ બંગાળના હાવડા પાસે મલદા સ્ટેશનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, હવાડાને ન્યૂ જલપાઇગુડી સાથે જોડનારી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થયાના 4 દિવસ બાદ આ પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારાથી ટ્રેનને ખૂબ નુકસાન થયું છે. કાંચ તૂટી ગયા છે. આ ઘટનામાં પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે ન્યૂ જલપાઇગુડીથી હાવડા જવા દરમિયાન મલદા સ્ટેશન પાસે કોઇએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે કોચ C-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થઇ ગયો. ઘટના બાદ ટ્રેનમાં અફરાતફરી મચી ગઇ.

રિપોર્ટ્સ મુજબ, સોમવારે સાંજે 5:50 વાગ્યે TN 22302 વંદે ભારત એક્સપ્રેસની ઑન ડ્યુટી TI પાર્ટી પાસેથી જાણકારી મળી કે કોચ નંબર-1 પર પથ્થરમારો થયો છે. ત્યારબાદ ટ્રેનને રેલવે પોલીસના 4 કર્મચારીઓને હથિયાર સાથે રવાના કરી. તો પશ્ચિમ બંગાળમાં નેતા પ્રતિપક્ષ અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાને લઇને NIA તપાસની માગણી કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના મલદા જિલ્લામાં ભારતનું ગૌરવ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો.

શું આ ઉદ્દઘાટનના દિવસે ‘જય શ્રી રામ’ના નારાઓનો બદલો છે? હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય રેલવેને આ ઘટનામાં NIAને તપાસ સોંપવાનો આગ્રહ કરું છું. વંદે ભારત એક્સપ્રેસમાં સવાર એક રેલ કર્મચારી આસિફ ખાને કહ્યું કે, અત્યાર એ જાણકારી મળી શકી નથી કે અંધારામાં કોણે અને કયા ઇરાદાથી પથ્થરમારો કર્યો. રેલવે અધિકારીઓએ આખી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કહ્યું છે. કુમારગંજમાં બહારથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

મુસાફર રિતુ ઘોષે જણાવ્યું કે, બહારથી લોકોએ પથ્થરમારો કર્યો. એ ચોંકાવનારું હતું. પથ્થર લાગવાથી કાંચ તૂટી ગયા. આ ઘટના ટ્રેનના મલદા સ્ટેશન પહોંચવાથી બરાબર પહેલા થઇ. નસીબથી પથ્થરના ટુકડાથી કોઇ પણ મુસાફરને ઇજા ન થઇ, પરંતુ અમે ડરેલા છીએ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાવડાથી ન્યૂ જલપાઇગુડી સુધી જતી દેશની સાતમી વંદે ભારત એક્સ્પ્રેસની શરૂઆત કરી હતી. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp