વિદ્યાર્થીઓ 500ની નકલી નોટો છાપતા ઝડપાયા, પોલીસને જોઈ ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યા

PC: prabhatkhabar.com

બિહારમાં નકલી ચલણી નોટો છાપતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. ગેંગ ચલાવનારા લોકો કોઈ માફિયા નથી, પરંતુ અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ છે. તેઓ બધા BPSC પરીક્ષાની તૈયારી કરે છે. પોલીસે તેમની પાસેથી લાખો રૂપિયાની નકલી નોટો અને કેટલીક દારૂની બોટલો પણ જપ્ત કરી છે. આરોપ છે કે, ત્યાં ગેરકાયદે દારૂનો ધંધો પણ ચાલતો હતો. આ કેસમાં પોલીસે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મામલો પટનાના શ્રીકૃષ્ણપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદપુરી વિસ્તાર સાથે સંબંધિત છે. પોલીસને નકલી નોટો છાપવાની ગુપ્ત બાતમી મળી હતી. 22 મેના રોજ જ્યારે પોલીસ દરોડા માટે ત્યાં પહોંચી ત્યારે બંને આરોપીઓ એપાર્ટમેન્ટમાંથી નીચે કૂદી પડ્યા હતા. બંનેને ખૂબ ઈજા થઈ. પોલીસે અંદર તપાસ કરતાં ખબર પડી કે ત્યાં નકલી નોટોનો ધંધો ચાલે છે.

શ્રીકૃષ્ણપુરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર પિંકી કુમારીએ મીડિયાના સૂત્રોને જણાવ્યું હતું કે, 'અમને બાતમી મળી હતી કે, આનંદપુરી વિસ્તારના રાજા રામ એપાર્ટમેન્ટમાં કંઈક ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે. તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી અડધી છાપેલી નકલી નોટો, પ્રિન્ટર, કેમિકલ, નકલી નોટના કાગળના બંડલ અને દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે.'

પોલીસને એપાર્ટમેન્ટમાંથી એક લાખ 77 હજારની કિંમતની નકલી નોટો મળી આવી હતી. તમામ નકલી નોટો 500 અને 200ની છે.

બંને આરોપીઓની ઓળખ નવાદાના રહેવાસી રતન યાદવ અને કટિહારના રહેવાસી યાકુબ ખાન તરીકે થઈ છે. ઘાયલ આરોપીઓને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના સિવાય આ ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તેની માહિતી હજુ બહાર આવી નથી.

આ પહેલા વૈશાલીમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોલીસે છ લોકોને કસ્ટડીમાં લીધા હતા. સ્થળ પરથી નોટ ગણવાનું મશીન અને નકલી નોટોનું બંડલ મળી આવ્યું હતું.

આ મામલામાં પટનાના SSP રાજીવ મિશ્રાએ જણાવ્યું કે, જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ ફરાર અન્ય ત્રણ યુવકોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આમાં હજુ કેટલા લોકો સામેલ છે અને તેમના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે, તેની માહિતી પણ ટૂંક સમયમાં કાઢવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp