SCએ કહ્યુ-ગુજરાત હાઈકોર્ટમાં શું થઇ રહ્યું છે! રેપ પીડિતાને ગર્ભપાતની આપી મંજૂરી

સુપ્રીમ કોર્ટે ગુજરાતની 27 વીકની ગર્ભવતી મહિલાને મેડિકલ ગર્ભપાત કરવાની પરવાનગી આપી દીધી છે. પીડિતાની સાથે લગ્નનો ખોટો વાયદો આપી રેપ કરવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના અને ઉજ્જલ ભુઈયાની પેનલે ઘરેલૂ સહાયકના રૂપમાં કામ કરનારી પીડિતા દ્વારા માગવામાં આવેલી રાહતને મંજૂરી આપી અને ગર્ભપાત માટે તેને મંગળવારે સવારે હોસ્પિટલમાં હાજર રહેવા કહેવામાં આવ્યું.
આ પહેલા સુપ્રીમ કોર્ટે આ કેસને લઇ ગુજરાત હાઈકોર્ટના વલણ પર ટિપ્પણી કરી અને પૂછ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં શું થઇ રહ્યું છે?
ગુજરાતની 25 વર્ષીય રેપ પીડિતાએ ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટ પાસેથી પરવાનગી માગી હતી. હાઈકોર્ટે પીડિતાની અરજી 17 ઓગસ્ટના રોજ ફગાવી દીધી હતી. ત્યાર પછી પીડિતાએ સુપ્રીમ કોર્ટ માં અરજી કરી હતી. 19 ઓગસ્ટના રોજ રજા હોવા છતાં સુપ્રીમ કોર્ટની પેનલે આ મામલે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવા કેસોમાં એક એક દિવસ અગત્યનો હોય છે તો પછી સુનાવણીની તારીખો શા માટે ટાળવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે 11 ઓગસ્ટના રોજ આ કેસની તરત સુનાવણી ન કરતા બીજી તારીખ 12 દિવસ પછીની આપી હતી.
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટમાં આખરે ચાલી શું રહ્યું છે? ભારતમાં કોઈપણ અદાલત સુપ્રીમ કોર્ટના આદેશ સામે ચૂકાદો આપી શકે નહીં. આ બંધારણીય સિદ્ધાંતના વિરુદ્ધ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, અજીબ વાત છે કે હાઈકોર્ટે આ કેસને 12 દિવસ પછી(મેડિકલ રિપોર્ટ મળ્યા પછી પણ) 23 ઓગસ્ટના રોજ તારીખ આપી. એ વાતને ધ્યાનમાં ન લેતા કે, દરેક દિવસ પીડિતા માટે અગત્યનો છે. 17 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પડકારતા એક વિશેષ પરવાનગીવાળી અરજી દાખલ કરવામાં આવી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટનું ધ્યાન આ કેસ પર પડ્યું.
પોતાના વિવાદિત આદેશમાં ગુજરાત હાઈકોર્ટે અરજી કરનાર પીડિતાને ગર્ભપાત ન કરવાનો આદેશ આપ્યો અને તેની અરજી ફગાવી દીધી. રેપ પીડિતા આદિવાસી યુવતીએ ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ કહ્યું હતું કે, આપણા સમાજમાં મહિલાઓ 17 વર્ષની ઉંમરમાં માતા બની જતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp