જાણો, અયોધ્યા કેસમાં નિર્ણય આપનારા 5 જજ હાલ ક્યાં છે? કોઈ સાંસદ તો કોઈ ગવર્નર

PC: deccanchronicle.com

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ પૂર્વ જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવવાને લઈને મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. એટલું જ નહીં, વિપક્ષી પાર્ટીઓએ નિયુક્તિની ટીકા કરતા તેને ન્યાયપાલિકા માટે જોખમ ગણાવ્યું છે. જસ્ટિસ નઝીર સુપ્રીમ કોર્ટના જજ રહેતા ઘણા મહત્ત્વના નિર્ણયોવાળી બેન્ચનો હિસ્સો રહ્યા છે. તેમા 2019માં અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર નિર્ણય પણ સામેલ છે. આ મામલામાં પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 જજોની બેન્ચે નિર્ણય સંભળાવ્યો હતો. આ બેન્ચમાં રંજન ગોગોઈ ઉપરાંત, જસ્ટિસ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ નઝીર સામેલ હતા. જાણો હાલ આ જજ ક્યાં છે?

જસ્ટિસ રંજન ગોગોઈ

જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી CJIના પદ પરથી રિટાયર થયા હતા. ચાર મહિના બાદ રાષ્ટ્રપતિએ તેમને રાજ્યસભાના સાંસદ તરીકે સન્માનિત કર્યા હતા. તેઓ રાજ્યસભા પહોંચનારા ત્રીજા જજ હતા જોકે, રાષ્ટ્રપતિ દ્વારા મનોનીત પહેલા જજ હતા. આ પહેલા દેશના 21માં ચીફ જસ્ટિસ રંગનાથ મિશ્રા (1990થી 1991)ને કોંગ્રેસે રાજ્યસભા મોકલ્યા હતા. તેઓ 1998થી 2004 સુધી ઉચ્ચસદનમાં રહ્યા. આ પહેલા જસ્ટિસ બહરુલ ઈસ્લામને કોંગ્રેસે 1983માં તેમના રિટાયરમેન્ટના પાંચ મહિના બાદ રાજ્યસભા મોકલ્યા હતા.

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે 23 એપ્રિલ, 2021ના રોજ CJI ના પદ પરથી રિટાયર થયા હતા. તેમણે રંજન ગોગોઈની જગ્યા લીધી હતી. જસ્ટિસ બોબડે 8 વર્ષ સુપ્રીમ કોર્ટમાં જજ રહ્યા. જોકે, રિટાયરમેન્ટ બાદ જસ્ટિસ બોબડેએ કોઈ આધિકારીક સાર્વજનિક પદ નથી સંભાળ્યું. તેઓ મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી નાગપુરના ચાન્સેલર છે.

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ ભારતના હાલના CJI છે. તેમણે નવેમ્બર 2022માં ભારતના 50માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા. તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી ચીફ જસ્ટિસ રહેનારા જસ્ટિસ વાઈ વી ચંદ્રચૂડના દીકરા છે.

જસ્ટિસ અશોક ભૂષણ

જસ્ટિસ અશોક ભૂષણ જુલાઈ 2021માં રિટાયર થયા હતા. ચાર મહિના બાદ નવેમ્બરમાં તેમણે નેશનલ કંપની લો અપીલીય ટ્રીબ્યૂનલ (NCLAT) ના ચેરપર્સન બનાવવામાં આવ્યા. તેમનો કાર્યકાળ ચાર વર્ષ માટે છે. તેમના પહેલા આ પદ 20 મહિના સુધી ખાલી રહ્યું હતું. કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ ઓક્ટોબર 2021માં તેમની નિયુક્તિને મંજૂરી આપી હતી.

જસ્ટિસ અબ્દુલ નઝીર

જસ્ટિસ અબ્દુલ નઝીર સુપ્રીમ કોર્ટમાંથી જાન્યુઆરી, 2023ના રોજ રિટાયર થયા. એક મહિના બાદ તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ અયોધ્યા મામલામાં નિર્ણય સંભળાવનારા પાંચ જજોમાં એકમાત્ર મુસ્લિમ હતા. એટલું જ નહીં, અબ્દુલ નઝીર નોટબંધીને પડકાર આપનારી અરજી પર નિર્ણય આપનારી જજોની બેન્ચમાં પણ સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp