અમિત શાહની રેલીમાંથી પરત ફરી રહેલી 3 બસનો ભયાનક અકસ્માત, 13ના મોત

PC: dainikchintak.com

મધ્યપ્રદેશના સતનામાં શુક્રવારે 24 ફેબ્રુઆરીએ યોજાયેલી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રેલી ઘણા લોકો માટે કાળ બની ગઈ હતી. રેલીમાંથી પરત ફરતી વખતે સિધી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે.

હકીકતમાં અમિત શાહની રેલી પૂરી થયા બાદ લોકો બસો દ્વારા પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન માર્ગમાં 3 બસનો અકસ્માત થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. CM શિવરાજ સિંહ ચૌહાણ પણ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને જોવા માટે રીવા મેડિકલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ દર્દનાક દુર્ઘટના મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં મોહનિયા ટનલ પાસે બની હતી. ટાયર ફાટવાને કારણે એક ઝડપભેર ટ્રકે કાબૂ ગુમાવ્યો હતો અને ત્રણ બસને ટક્કર મારી હતી. અથડામણ બાદ બે બસ ખાઈમાં પડી ગઈ હતી, જ્યારે એક બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તમામ બસો સતનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલીમાંથી પરત ફરી રહી હતી.

અકસ્માતમાં મૃત્યુઆંક વધુ વધે તેવી શક્યતા છે, કારણ કે ઘાયલોમાં 15 લોકોની હાલત ગંભીર છે.

દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા CM શિવરાજે ટ્વીટ કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું, 'સીધીમાં બસ પલટી જવાની દુર્ઘટનાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડું દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. સીધી જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર અને SP ઘટનાસ્થળે હાજર છે. રીવા કમિશ્નર અને IG ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. રીવા મેડિકલ કોલેજ અને સિધી જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દુઃખની આ ઘડીમાં હું અને રાજ્યની જનતા શોકગ્રસ્ત પરિવારના સભ્યોની સાથે છીએ.'

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 'સિધી (M.P.)માં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. વહીવટીતંત્ર દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.

પૂર્વ CM અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 50 લાખ રૂપિયા અને ઘાયલોની સારવાર માટે 5 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે 'ગૃહમંત્રી અમિત શાહના સન્માનમાં CM શિવરાજ સરકારના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસોની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો. CM શિવરાજ ચૌહાણે આની જવાબદારી લેવી જોઈએ અને દોષિત અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ.'

 

CM શિવરાજ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓને અકસ્માતથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા સૂચના આપી. તેમણે અકસ્માતને હૃદયદ્રાવક ગણાવ્યો હતો. મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરવા તેમજ ઈજાગ્રસ્તોને વિનામૂલ્યે સારવાર આપવા સૂચનાઓ આપી હતી.

અકસ્માત બાદ મૃતકોના પરિજનોને 10 લાખ અને ઘાયલોને 2 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. CM શિવરાજે કહ્યું કે, ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડશે તો તેમને એરલિફ્ટ પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp