મોરબી બ્રિજ અકસ્માતના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો શું થયું

ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોરબી બ્રિજ તૂટી પડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન પર રહેલા આરોપીઓને આપવામાં આવેલા જામીન રદ કરવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો છે. ગત ઓક્ટોબર માસના અંતમાં મોરબી જીલ્લાની મચ્છુ નદી પર બનેલો ઐતિહાસિક પુલ અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. આ પછી પોલીસે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરી હતી અને ચાર્ટશીટ દાખલ કરી હતી. આ પૈકીના કેટલાક આરોપીઓને હાઈકોર્ટે અલગ અલગ આધાર પર જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આમાં ટિકિટ વેચનારા આરોપીઓના જામીન રદ કરવાનો ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ D.Y.ચંદ્રચુડ, જસ્ટિસ J.B.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન મોરબીના વકીલની દલીલ સાથે સહમત થઈ ન હતી કે હાઈકોર્ટે આરોપીઓને ખોટી રીતે જામીન આપ્યા હતા. 9મી જૂને CJIએ આરોપી મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયાને હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાની અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, તે માત્ર ટિકિટો વેચતો હતો. મોરબી બ્રિજનો કોન્ટ્રાક્ટ લેનાર કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલને હજુ જામીન મળ્યા નથી. તે મોરબી સબ જેલમાં બંધ છે. તો બીજી તરફ આ કેસની સુનાવણી હવે મોરબી કોર્ટમાં શરૂ થઈ છે. તાજેતરમાં પીડિતોની માંગણી અને આક્ષેપો બાદ સરકારી વકીલે કેસ છોડી દીધો હતો.
સોમવારે તેના આદેશમાં, બેન્ચે કહ્યું, 'અમે બંધારણની કલમ 136 હેઠળ વિશેષ રજા અરજીઓ પર ધ્યાન આપવા માટે વલણ ધરાવતા નથી. તદનુસાર, વિશેષ રજાની અરજીઓ ફગાવી દેવામાં આવે છે.' ગુજરાત હાઈકોર્ટે એ હકીકતની નોંધ લીધી કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પહેલા જ દાખલ થઈ ચૂકી છે. હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું, 'ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે, તેથી અરજદારની ન્યાયિક કસ્ટડીમાં હાજરી જરૂરી નથી, અરજદાર પણ કંપની દ્વારા નિયુક્ત ટિકિટ વહેંચનાર વ્યક્તિ હતો અને તેથી, હું માનું છું કે, તે વિવેકબુદ્ધિથી કરેલો પ્રયોગ હતો તથા અરજદારને નિયમિત જામીન પર મુક્ત કરવાનો એક યોગ્ય નિર્ણય છે.'
ગુજરાત હાઈકોર્ટે પુલ તૂટી પડવાના કેસમાં કેટલાક આરોપીઓને જામીન આપ્યા હતા, ત્યારે કોર્ટે એ હકીકતની નોંધ લીધી હતી કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પહેલા જ દાખલ થઈ ચૂકી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે, તેથી જ્યુડિશિયલ કસ્ટડીમાં અરજદારની હાજરી જરૂરી નથી. ગત વર્ષે 21 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મોરબી બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી, જેમાં 141 લોકો માર્યા ગયા હતા અને ગુજરાત હાઈકોર્ટને સમયાંતરે તપાસ અને પુનર્વસન સહિતના અન્ય પાસાઓ પર નજર રાખવા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp