26th January selfie contest

એકસાથે ઉઠી બે સગા ભાઈઓની નનામી, નાના ભાઈના મૃત્યુ પર ઘરે આવેલા મોટાભાઈનું પણ મોત

PC: aajtak.in

રાજસ્થાનના બાડમેરમાં બે સગા ભાઈઓના મોતને કારણે આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નાના ભાઈના મૃત્યુ બાદ મોટો ભાઈ ઘરે પહોંચ્યો હતો અને પાણીની ટાંકીમાં પડી જતાં તેનું મોત થયું હતું. જ્યારે બંને ભાઈઓની નનામી ઘરેથી એકસાથે ઉઠી, ત્યારે પરિવારના સભ્યોના આક્રંદ કરી ઉઠ્યા હતાં. બંને ભાઈઓના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલો બાડમેરના સિંધરી શહેરના હોડુ ગામનો છે.

મળતી માહિતી મુજબ, હોડુ ગામના સરણો કા તલાનો રહેવાસી 26 વર્ષીય સુમેર સિંહ ગુજરાતના સુરતમાં નોકરી કરતો હતો. એક દિવસ પહેલા એટલે કે, મંગળવારે પગ લપસવાને કારણે તે અગાસી પરથી નીચે પડી ગયો હતો. પરંતુ સારવાર દરમિયાન સુમેરસિંહનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સરણો લાવવામાં આવ્યો હતો. નાના ભાઈના અવસાન થવાથી મોટાભાઈ સોહનને પણ ગામમાં બોલાવવામાં આવ્યો હતો.

બુધવારે સવારે સોહન સિંહ ઘરથી થોડે દૂર આવેલી ટાંકીમાંથી પાણીની ડોલ ભરી રહ્યો હતો, ત્યારે તે અચાનક તેમાં પડી ગયો અને તેનું મોત નીપજ્યું. 28 વર્ષની ઉંમરે, સોહન સિંહ જયપુરમાં સેકન્ડ ગ્રેડની શિક્ષક ભરતીમાં સ્પર્ધાની તૈયારી કરી રહ્યો હતો. પિતાની નાદુરસ્ત તબિયતના બહાને સોહનસિંહને ગામમાં બોલાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પરિવાર પર જાણે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે સોહન લાંબા સમય સુધી ઘરે પરત ન ફર્યો તો પરિવારના સભ્યો ટાંકી પાસે ગયા અને જોયું કે તેનો મૃતદેહ પાણીમાં તરતો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને મામલાની તપાસ શરૂ કરી. ગામના વડીલોએ જણાવ્યું કે, બંને ભાઈઓ વચ્ચે સારો તાલમેલ હતો. સોહમ સિંહ ભણવામાં હોંશિયાર હતો અને સુમેર સિંહ ભણવામાં થોડો નબળો હતો. નાનો ભાઈ સુમેર મોટા ભાઈ સોહનના ભણતરનો તમામ ખર્ચ ઉઠાવતો હતો.

સીણધરી પોલીસ સ્ટેશનના અધિકારી સુરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, સુરતમાં અગાસી પરથી પડી જવાને કારણે એક ભાઈનું મોત થયું હતું. ત્યાં બીજો ભાઈ પાણીની ટાંકીમાં પડેલો જોવા મળ્યો હતો. સંબંધીઓનું કહેવું છે કે, સોહનનો પગ લપસવાને કારણે ટાંકીમાં પડી જતાં તેનું મોત થયું હતું. આપઘાતની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

બે ભાઈઓના અવસાન બાદ જ્યારે ઘરના આંગણામાંથી બંનેની નનામી એકસાથે ઉઠી ત્યારે ચારેબાજુ આક્રંદ મચી ગયું હતું. પરિવારના સભ્યોની રડી રડીને હાલત ખરાબ છે. બંનેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પરિવારજનોએ એક જ ચિતા પર બંનેને અગ્નિ પ્રગટાવીને અંતિમ વિદાય આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp