સાસરેથી ભાગી દુલ્હન, કરિયાવરનો સામાન લઈને પ્રેમીના ઘરે પહોંચી વરે કહ્યુ-આ પણ રાખ

PC: zeenews.india.com

તમને બધાને અજય દેવગન, ઐશ્વર્યા રાય અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' યાદ હશે. ઐશ્વર્યા રાય સલમાન ખાનના પ્રેમમાં છે, પરંતુ તેણે અજય દેવગન સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે અજય દેવગનને આ વાતની જાણ થાય છે, ત્યારે તે પોતાની પત્નીને તેના પ્રેમીને મેળવવા માટે વિદેશ પહોંચી જાય છે.

જો તમને વાસ્તવિકતામાં બનેલો આવો જ કિસ્સો સાંભળવા મળે તો, કદાચ તમે વિશ્વાસ નહીં કરશો, પરંતુ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વરરાજાએ દુલ્હનને તેના પ્રેમી પાસે રાખવાનું કહ્યું છે. તમે વિચારતા જ હશો કે, આજના યુગમાં પણ કોઈ આવું કેવી રીતે કરી શકે, પરંતુ જ્યારે આ સમાચાર ચર્ચામાં આવ્યા તો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ આ લગ્ન 6 ફેબ્રુઆરીના રોજ થયા હતા. અહીં કન્યાએ તેના ભાવિ પતિની સામે તેના પ્રેમીના ગળામાં માળા પહેરાવી. આ બધું જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. લોકો સમજી શક્યા નહીં કે, આખરે શું થયું. લગ્ન પ્રસંગમાં ભારે હોબાળો થઇ ગયો હતો. આ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ દુલ્હનની વિદાય થયાના બીજા દિવસે તે તેના સાસરેથી ભાગી ગઈ હતી. આ બધાથી નારાજ વરરાજા બીજા દિવસે દહેજ અને અન્ય વસ્તુઓ લઈને સીધો જ કન્યાના પ્રેમીના ઘરે ગયો હતો. ત્યાં તેણે ઘરની બધી વસ્તુઓ તેના ઘરમાં મુકાવ્યા પછી કહ્યું કે, આને પણ તમે જ સંભાળજો. આ મામલો ચરવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો હોવાનું કહેવાય છે, આ લગ્ન 6 ફેબ્રુઆરીએ થઇ ગયા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, 6 ફેબ્રુઆરીના રોજ કૌશામ્બી જિલ્લાના ચરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં એક ચર્ચાસ્પદ લગ્ન થયા હતા. આ લગ્ન માટે ખૂબ જ સુંદર સજાવટ અને વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નની જાન ખૂબ જ ધામધૂમથી આવી ત્યારે કન્યાપક્ષવાળાઓએ ખૂબ જ પ્રેમથી તેનું સ્વાગત કર્યું. દ્વારચરની વિધિ બાદ વર-કન્યાને સ્ટેજ પર લઈ જવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુલ્હન ગામના જ એક છોકરાને પ્રેમ કરતી હતી. તેના પરિવારજનોને આ વાતની જાણ હતી, પરંતુ લગ્ન થઈ રહ્યા હતા, તેથી પરિવારજનોને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તે અંગે કોઈપણ પ્રકારની જાણ નહોતી.

વર અને કન્યા બંને માળા લઈને ઉભા હતા. વરરાજાએ ખૂબ જ આનંદથી કન્યાના ગળામાં માળા પહેરાવી, પરંતુ જ્યારે કન્યાનો વારો આવ્યો, ત્યારે તે થોડી અટકી ગઈ, આ પછી, તેણે નજીકમાં ઉભેલા તેના પ્રેમીના ગળામાં માળા પહેરાવી દીધી. આ બધું જોઈને ત્યાં હોબાળો મચી ગયો. કન્યાવાળા અને જાનૈયાઓ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. અપશબ્દોથી માંડીને મારપીટ સુધીની વાત સામે આવી ગઈ. ખૂબ જ મુશ્કેલીથી છોકરીવાળાઓએ કોઈક રીતે વરપક્ષવાળાને મનાવ્યા. બીજા દિવસે 7 ફેબ્રુઆરી ના દિવસે પંચાયતના નિર્ણય બાદ વરરાજા કન્યાને વિદાય કરાવીને તેને ઘરે લઇ આવ્યો.

ચોંકાવનારી વાત ત્યારે બની, જ્યારે રાત્રે મોકો મળતા જ દુલ્હન પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ અને તેના ઘરે પહોંચી. આ બધી બાબતોથી ગુસ્સે થઈને વરરાજા લગ્નમાં મળેલી બધી વસ્તુઓ લઈને તેની દુલ્હનના પ્રેમીના ઘરે પહોંચી ગયો અને ત્યાં આ બધી વસ્તુઓ મુકાવીને વરરાજાએ પ્રેમીને કહ્યું કે, તે આ સામાન પણ સંભાળી લે. જોકે, આ બનેલી ઘટના પર દુલ્હનના પરિવારજનોએ પણ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. આ અંગેની સંપૂર્ણ માહિતી કોખરાજ પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી, જ્યારે પોલીસનું માનીએ તો, તેમની પાસે આ પ્રકારની કોઈપણ રીતની કોઈ ફરિયાદ થઈ નથી અને ત્રણેય પક્ષોએ એકબીજા સાથે શાંતિથી પતાવટ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp