સાંઢ બાલ્કની પર ચઢી ગયો, પૂર્વ CMએ કહ્યું- યોગી સરકાર હવાઇ બુલડોઝર મગાવે
હજુ થોડા દિવસો પહેલાં જ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં સાંઢની સમસ્યા વિશે વાત કરીને યોગી સરકાર સામે નિશાન સાંધ્યું હતું. હવે એક કાળો સાંઢ ઘરની છત પરની બાલ્કની પર ચઢી ગયો હતો અને કેટલાંક લોકો તેને ઉતારવાની પ્રયાસ કરી રહ્યા છે. અખિલેશ યાદવે ટ્વિટર પર આ વીડિયો શેર કરીને લખ્યું કે, આને ઉતારવા માટે તો હવાઇ બુલડોઝરની જરૂર પડશે, UP સરકાર તરત ઓર્ડર આપે.અખિલેશ ઘણા સમયથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ સાંઢની સમસ્યાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ છેલ્લાં કેટલાંક સમયથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી રસ્તે રખડતા પશુઓ અને સાંઢના હુમલાઓના વીડિયો શેર કરતા રહે છે.આવા વીડિયો શેર કરીને અખિલેશ યોગી સરકાર પર પ્રહાર કરે છે.
इसको उतारने के लिए तो हवाई बुलडोज़र चाहिए… उप्र सरकार तुरंत आर्डर दे! pic.twitter.com/LIIpm8pewg
— Akhilesh Yadav (@yadavakhilesh) August 24, 2023
ફરી એકવાર અખિલેશે એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક બ્લેક સાંઢ બાલ્કની પર ચઢી ગયો છે અને તેને નીચે ઉતારવા માટે કેટલાંક લોકો પ્રયાસ કરી રહ્યા છે.અખિલેશે ફરી યોગી સરકાર સામે નિશાન સાધીને લખ્યુ કે, આને ઉતારવા માટે UP સરકાર તાત્કાલિક હવાઇ બુલડોઝર ખરીદવાનો ઓર્ડર આપે.
આ પહેલાં અખિલેશે 19 ઓગસ્ટે પણ એક વીડિયો શેર કરીને લખ્યુ હતુ કે, આજના સુપર સ્પેશિયલ સાંઢ સમાચાર, સાંઢની સાથે ટેમ્પોની ટક્કર. આજનો સાંઢ વિચાર, UP પર્યટન વિભાગ હવે આવા વીડિયોને શેર કરીને રાજ્યમાં પ્રવાસીઓને આમંત્રિત કરી શકે છે જેઓ સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર કરીને પોતાનો જીવ જોખમમાં મૂકવાનું પસંદ કરે છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભાના મોનસૂન સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, બીજું કશું તમે ન કરી શકો તો કમસે કમ સાંઢ સફારી બનાવી લો. અખિલેશે કહ્યુ હતું કે આ કામ તમે કેમ નથી કરતા, શું તમારી પાસે બજેટનો અભાવ છે?
અખિલેશે કહ્યું કે એવો કોઇ જિલ્લો ન બચ્યો હશે જ્યાં રખડતા ઢોરોને કારણે મોત ન થયા હોય. સંભલ, મુરાદાબાદ, ચંદ્રોસી, હસનપુર આવા તો કેટલાંય નામ છે.
ઉત્તર પ્રદેશમાં રખડતા ઢોરના મુદ્દા પર અખિલેશ યાદવે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે જ્યારે સાંઢનો મુદ્દો ઉઠાવીએ છીએ તો આ લોકો કહે છે કે એ તો નંદી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp