- National
- કોર્ટે 65 વર્ષના વૃદ્ધને 170 વર્ષની જેલની સજા સંભળાવી, કેસ જ કંઇક એવો હતો
કોર્ટે 65 વર્ષના વૃદ્ધને 170 વર્ષની જેલની સજા સંભળાવી, કેસ જ કંઇક એવો હતો
સાગર જિલ્લા અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા એક ઠગને 170 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઠગ ઘણા લોકોને કપડાની ફેક્ટરી ખોલવાના ખોટા સપના બતાવીને ભાગીદાર બનાવવાના નામે પૈસા પડાવી લીધા હતા. આ પછી તે રાતોરાત ગામ છોડીને ભાગી ગયો હતો. હવે 34 લોકોની ફરિયાદ પર દરેક કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. એટલે કે દરેક સજા પૂરી થયા પછી આગળના કેસની સજા શરૂ થશે. આ રીતે કુલ 170 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

સાગર જિલ્લામાં લાખોની છેતરપિંડી કરનાર નટવરલાલને અનોખી સજા આપવામાં આવી છે. આ કેસમાં 65 વર્ષના ઠગને 170 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. દોષિત સામે 34 કેસ હતા. આ બધામાં તેને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે તેને કુલ રૂ.3,40,000નો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સાગર જિલ્લામાં 34 લોકોને છેતરનાર નાસીર મોહમ્મદ ઉર્ફે નાસીર રાજપૂત, ઉંમર 65,ને સાગર જિલ્લા અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે અને 170 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. એડિશનલ સેશન્સ જજ અબ્દુલ્લા અહેમદની કોર્ટે કલમ-420 હેઠળ 34 વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવા બદલ દરેક કેસમાં દોષિતને 5-5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે તેને 10,000 રૂપિયાના દંડ સહિત કુલ 3,40,000 રૂપિયાની આર્થિક દંડની સજા ફટકારવામાં આવી છે.

આ કેસની એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર રામબાબુ રાવતે વકીલાત કરી છે. તેમણે કહ્યું કે કોર્ટે ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે કે, સજા એક પછી એક ક્રમિક સ્વરૂપમાં થશે, એટલે કે એક સજા પૂરી થયા પછી બીજા કેસની સજા શરૂ થશે. વૃદ્ધે કુલ 72 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમણે જણાવ્યું કે, ઓગસ્ટ 2020માં કેન્ટના ભૈંસા ગામના લગભગ 3 ડઝન લોકોએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કપડાનું કારખાનું શરૂ કરવાના નામે તમામ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
છેતરપિંડીનો ભોગ બનેલા લોકોના જણાવ્યા અનુસાર, ગુજરાતના તાપીમાં રહેતા 65 વર્ષીય નાસીર મોહમ્મદ એક વર્ષ પહેલા ગામમાં રહેવા આવ્યા હતા. લોકો સાથે સંપર્ક વધારતા તેમણે જણાવ્યું કે,મેં ગુજરાતમાં મારો એક બંગલો રૂ. 85 લાખમાં વેચ્યો છે. તેના પૈસા હજુ આવવાના બાકી છે. હું એ પૈસાથી ભૈંસા ગામમાં ગાર્મેન્ટ્સનું કારખાનું શરૂ કરવાનો છું, પણ RBIએ ટેક્સના નામે મારા પૈસા રોકી રાખ્યા છે. વિશ્વાસ દર્શાવવા તેણે તેની બેંકની પાસબુકમાં રકમની એન્ટ્રી પણ જણાવી હતી. મોબાઈલમાં SMS પણ બતાવ્યો. આ પછી, ધીમે ધીમે કરીને લોકોને ફેક્ટરીમાં ભાગીદાર બનાવવાનું નાટક કરીને તેમને છેતરવા લાગ્યો.

ઠગે કહ્યું કે મારા છોકરાઓ વિયેતનામ અને દુબઈમાં છે. તેઓ આ ફેક્ટરીમાંથી તૈયાર માલ વેચવામાં મદદ કરશે. લોકો તેની વાતમાં આવી ગયા. પછી કોઈને 8.50 લાખ, કોઈને 98000 તો કોઈને 6.20 લાખ. સુધી રોકડ અને ચેક દ્વારા આપ્યા હતા. ત્યારપછી જ્યારે નાસીરે ફેક્ટરી ન લગાવી, અને તે પોતાનું મકાન બદલીને બીજા વિસ્તારમાં રહેવા લાગ્યો. ત્યારબાદ લોકોને તેના પર શંકા ગઈ. પછી એક પીડિતે તેના પર પૈસા પરત કરવા દબાણ કર્યું, પછી તે રાતોરાત તેની કારમાં આખા પરિવાર સાથે ભાગી ગયો. સાગર પોલીસે તેને શોધીને તેની ધરપકડ કરી હતી.

