પુત્રવધૂ નોકરીનો ઈન્ટરવ્યુ આપવા જતી હતી, સસરાને ન ગમ્યું, માથે ઈંટ મારી
તમે અને હું પરિવાર ચલાવવા માટે કામ કરીએ છીએ. આ નોકરીના બદલામાં, અમને અને તમને મહિનાના અંતે પગાર આપવામાં આવે છે, જેની મદદથી આપણે ફક્ત આપણા ઘરનો ખર્ચ જ નહીં પરંતુ આપણા બાળકોના શાળા ખર્ચ, ભોજન અને પાણીની તમામ વ્યવસ્થા કરીએ છીએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, એક મહિલા પરિવાર ચલાવવા માટે નોકરી કરવા માંગતી હતી, પરંતુ તેના સસરાને તે પસંદ ન હતું, તેથી તે જે દિવસે નોકરીના ઈન્ટરવ્યુ માટે જઈ રહી હતી, તે દિવસે જ સસરા તેના પર ગુસ્સે થયા અને ઈંટ મારીને તેનું માથું ફોડી નાખ્યું. શું છે આખો મામલો, આવો અમે તમને વિગતવાર જણાવીએ...
દેશની રાજધાની નવી દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના પ્રેમ નગર વિસ્તારમાં, 26 વર્ષની એક મહિલાને તેના સસરાએ તેના માથા પર એક પછી એક એમ ઘણી વખત ઈંટ વડે મારતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘાયલ મહિલાને તેના પાડોશીઓએ હોસ્પિટલમાં દાખલ કરી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઘાયલ મહિલા નોકરી કરવા માંગતી હતી, જ્યારે તેના સસરાને તે પસંદ ન હતું. ઘટનાના દિવસે પણ આ મુદ્દે બંને વચ્ચે લાંબી બોલાચાલી થઈ હતી. જ્યારે મહિલા નોકરીનો ઈન્ટરવ્યુ આપવા બહાર ગઈ ત્યારે તેના સસરાએ તેને રોકી હતી, જેના કારણે બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ઈંટ મારતા પહેલા સસરાએ તેની પુત્રવધૂને ચેતવણી પણ આપી હતી, પરંતુ મહિલાએ તેની વાત ન માની એટલે તેણે ઈંટ ઉપાડી તેના માથા પર મારવા જ મંડ્યો હતો.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાનો વીડિયો બુધવારે વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ મામલાની નોંધ લેતા આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલા પર હુમલો થયા બાદ સ્થાનિક લોકોએ તેને બચાવી હતી અને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના માથા પર એક ડઝનથી વધુ ટાંકા આવ્યા છે.
મીડિયા સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાની હજુ પણ સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર છે. તેઓ અત્યારે નિવેદન આપવાની સ્થિતિમાં નથી. અમે યુવતીના પરિવારજનો સાથે વાત કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, યુવતી નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જઈ રહી હતી, જેના કારણે તેના સસરાએ તેના પર હુમલો કર્યો હતો. તે નોકરી કરવા માંગતી હતી અને તેના પરિવારને ટેકો આપવા માંગતી હતી. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp