સ્ટેશન પર ટ્રેન રોકવાનું ભૂલી ગયો ડ્રાઈવર, જાણો ભૂલનો અહેસાસ થતા તેણે શું કર્યુ

PC: d.indiarailinfo.com

તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તમારે તમારા નિર્ધારિત સ્ટેશન પર ઉતારવાનું છે, અને તમારી ટ્રેન ત્યાં ઉભી ન રહી તો તમારી સ્થિતિ શું હશે તેનો તમે અંદાજ લગાવી શકો છો. ભારતીય રેલવેનું એક વિચિત્ર કારનામું સામે આવ્યું છે. સ્ટેશન પર બેઠેલા મુસાફરો ટ્રેન ઉભી રહે તેની રાહ જોતા રહ્યા અને ટ્રેન ઉભી ન રહી. તેણે એકદમ ઝડપથી સ્ટેશન પસાર કરી દીધું. આ મામલો ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી રેલ્વે વિભાગ સાથે સંબંધિત છે. બુધવારે છપરાથી ફરુખાબાદ જતી ટ્રેન (15083) છપરા જંકશનથી સાંજે 6 વાગ્યે સમયસર રવાના થઈ હતી.

આ પછી તે આગલા સ્ટોપેજ પર રોકાઈ જ્યાંથી મુસાફરો ટ્રેનમાં ચઢ્યા. આ પછી ટ્રેન તેના બીજા સ્ટોપેજ, માંઝી હોલ્ટ સ્ટેશન તરફ આગળ વધી. ટ્રેન માંઝી હોલ્ટ પર ઉભી જ રહેવાની હતી ત્યારે ટ્રેનની સ્પીડ ઘટવાને બદલે વધવા લાગી. જે મુસાફરોને ટ્રેનથી આગળની મુસાફરી કરવાની હતી. તેમની વચ્ચે ગભરાટ ફેલાઈ ગયો.

જ્યારે ટ્રેનના લોકો પાયલટ અને અન્ય સ્ટાફને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓએ તરત જ ઉતાવળથી સરયુ નદી પરના રેલવે બ્રિજ પર ટ્રેનને રોકી હતી. આ પછી ટ્રેન ડ્રાઈવરે અધિકારીઓ સાથે વાત કરી. ત્યારપછી ટ્રેનને માંઝી હોલ્ટ પર લઈ જવામાં આવી હતી. જ્યાં રાહ જોઈ રહેલા મુસાફરો ટ્રેનમાં બેસી ગયા હતા.

બન્યું એવું કે, રાતના અંધારામાં અચાનક 5083 ઉત્સર્ગ એક્સપ્રેસ માંઝી રેલ્વે બ્રિજની વચ્ચે ઊભી રહી ગઈ. રામઘાટ પર બેઠેલા લોકો ટ્રેન અકસ્માત થયાના ડરને જોતા રેલ બ્રિજ પર દોડી આવ્યા હતા. જોકે, લગભગ 20 મિનિટ રોકાયા પછી ટ્રેન ફરી પાછી આવીને માંઝી હોલ્ટ સ્ટેશન પાસે ઊભી રહી. ત્યાર પછી ત્યાં ઉભેલા મુસાફરો ટ્રેનમાં ચઢ્યા અને ટ્રેન 7.25 વાગ્યે માંઝીથી લખનઉ માટે રવાના થઈ. હવે તમે સમજી ગયા હસો કે શું થયું. ડ્રાઇવર સાહેબ માંઝી હોલ્ટ સ્ટેશન પર ટ્રેન રોકવાનું ભૂલી ગયા હતા. તે આગળ નીકળી ગયો હતો. તે પછી, જ્યારે તેઓને સમજાયું કે બહુ મોટી ભૂલ થઈ છે, ત્યારે તેઓએ માંઝી પુલ પર ટ્રેનને અધવચ્ચે રોકી દીધી હતી.

જો કે આ ટ્રેન લગભગ 20 મિનિટ સુધી રેલવે બ્રિજ પર રોકાઈ હતી. બ્રિજ પર ઉભેલી ટ્રેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વારાણસી રેલ્વે ડિવિઝનના DRM વિનીત શ્રીવાસ્તવે આની નોંધ લેતા તપાસ માટે સૂચના આપી છે.

આ મામલામાં ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી રેલવે વિભાગના જનસંપર્ક અધિકારી અશોક કુમારે ફોન પર જણાવ્યું કે, આ ઘટના છપરા ફર્રુખાબાદ ટ્રેન (15083) સાથે બની હતી, જે ગઈકાલે સાંજે છપરા જંક્શનથી ચાલી હતી. DRM વારાણસીએ તપાસ માટે સૂચના આપી છે. જે પણ હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp