160 કિમીની ઝડપે દોડનારી પહેલી રેપિડ ટ્રેનનું નામ RAPIDX નહીં આ હશે

PC: livemint.com

દેશને તેની પ્રથમ રેપિડ ટ્રેન (RAPIDX)ની ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે રેપિડ રેલનું ઉદઘાટન કરવાના છે. તેઓ સવારે 11.15 વાગ્યે સાહિબાબાદમાં રેપિડ ટ્રેનને લીલી ઝંડી આપશે. કેન્દ્ર સરકારે આ રેપિડેક્સ ટ્રેનનું નામ બદલીને 'નમો ભારત' કરવાનો નિર્ણય લીધો છે. ઉદઘાટન પછી સામાન્ય મુસાફરો પણ 21મી ઓક્ટોબરથી આ ટ્રેનમાં મુસાફરીનો આનંદ માણી શકશે. પહેલાં ટ્રેનનું નામ રેપિડેક્સ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે બદલી દેવામાં આવ્યું છે.

પહેલા ફેસમાં ‘નમો ભારત’ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરનો 17 કિલોમીટર લાંબો પ્રાથમિક વિભાગ શરૂ કરવામાં આવશે. આ કોરિડોરની કુલ લંબાઈ 82 કિમી છે, જેમાંથી 14 કિ.મી. દિલ્હીમાં છે જ્યારે 68 કિમી ઉત્તર પ્રદેશમાં છે. તેને દિલ્હી મેટ્રોની વિવિધ લાઈનો સાથે જોડવામાં આવશે. તે અલવર, પાણીપત અને મેરઠ જેવા વિવિધ શહેરોને દિલ્હી સાથે પણ જોડશે.

પ્રથમ તબક્કા પછી આ પ્રોજેક્ટને દુહાઇથી મેરઠ સુધી લંબાવવામાં આવશે. મેરઠ સાઉથ સુધી બીજા તબક્કામાં કામ થશે, ત્રીજા તબક્કામાં સાહિબાબાદથી દિલ્હી વચ્ચેનું કામ પુરુ થશે. વર્ષ 2025માં રેપિડ રેલ દિલ્હીથી મેરઠ વચ્ચે દોડતી નજરે પડશે. આ મુસાફરી માત્ર 55 મિનિટમાં પુરી થશે. મતલબ કે દિલ્હીથી મેરઠ તમે માત્ર 55 મિનિટમા પહોંચી જશો.

રેપિડ ટ્રેનોને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે તૈયાર કરવામાં આવી છે. જોકે, આ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડશે. આ ટ્રેન 60 મિનિટમાં 100 કિલોમીટરની મુસાફરી કરી શકે છે. 6 કોચવાળી આ ટ્રેનનો દેખાવ બિલકુલ બુલેટ ટ્રેન જેવો છે. રેપિડ ટ્રેનના કોચમાં એડજસ્ટેબલ 2x2 સીટ હશે. આ ટ્રેનમાં મફત વાઇફાઇ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, સામાન રાખવાની જગ્યા, એક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને અન્ય પ્રકારની સુવિધા મળશે. ઓટોમેટિક પ્લગ ઇન દરવાજા ઉપરાંત રેપિડ રેલમાં જરૂરિયાત મુજબ પસંદગીના દરવાજા ખોલવા માટે બટન રાખવામાં આવ્યા છે. દરેક ‘નમો ભારત’ ટ્રેનમાં એક ડબ્બો મહિલાઓ માટે અનામત હશે. ઉપરાંત દરેક કોચમાં મહિલાઓ માટે 10-10 સીટ રિઝર્વ રાખવામાં આવશે.

પ્રથમ વિભાગમાં, સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો વચ્ચે રેપિડ રેલ દોડશે. Regional Rapid Transit System (RRTS) નો પ્રાથમિક વિભાગ દેશની પ્રથમ રેલ્વે સિસ્ટમ છે જે 160 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઓપરેટિંગ ઝડપે સમગ્ર પ્રવાસને આવરી લેવા માટે ખોલવામાં આવી છે. RapidX એટલે કે નમો ભારત ટ્રેન મુસાફરો માટે ઝડપી, સલામત અને આરામદાયક પ્રાદેશિક ગતિશીલતા સેવા સુનિશ્ચિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp