રાહ જોતા રહ્યા ગવર્નર અને ફ્લાઈટ તેમને લીધા વગર ઉડી ગઈ, કંપનીની તપાસ શરૂ

PC: haribhoomi.com

એરએશિયાની ફ્લાઇટ કર્ણાટકના ગવર્નરને લીધા વગર જ ઉડી ગઈ હતી. પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને, એરએશિયાની ફ્લાઈટ ગુરુવારે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતને લીધા વગર ઉડાન ભરી હતી. એરલાઈન્સે ગવર્નરના મોડા આવવાનો ઉલ્લેખ કર્યો, જ્યારે તેઓ એરપોર્ટના જ લોન્જમાં રાહ જોઈ રહ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.

નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યપાલના પ્રોટોકોલ અધિકારીઓએ આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત ગુરુવારે બપોરે ટર્મિનલ-2થી હૈદરાબાદની ફ્લાઈટમાં સવાર થવાના હતા, જ્યાંથી તેઓ એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રોડ માર્ગે રાયચુર જવાના હતા. સૂત્રોએ જણાવ્યું કે એરએશિયાની ફ્લાઈટ ત્યાં પહોંચતા જ તેમનો સામાન પ્લેનમાં મૂકી દેવામાં આવ્યો હતો, પરંતુ ગવર્નર ગેહલોત માટે કહેવામાં આવ્યું હતું કે, તેમને ટર્મિનલ પહોંચવામાં વિલંબ થશે.

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યપાલ ફ્લાઇટમાં બેસવા માટે VIP લોન્જમાંથી ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો પ્લેન હૈદરાબાદ માટે ટેકઓફ કરી ચૂક્યું હતું. ત્યાર પછી રાજ્યપાલને હૈદરાબાદ પહોંચવા માટે 90 મિનિટ પછી બીજી ફ્લાઈટ લેવી પડી હતી. એરલાઈન્સે કહ્યું કે, તે આ ઘટના પર ખૂબ જ ખેદ વ્યક્ત કરે છે અને સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય પગલાં લેશે.

એરએશિયાએ બેંગલુરુ-હૈદરાબાદ ફ્લાઇટના તેના એક પેસેન્જર, કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોત વિના ટેકઓફ કરી લીધું હોવાના મામલે તપાસ શરૂ કરી છે. રાજ્યપાલ ગેહલોત એરપોર્ટ લોન્જમાં રાહ જોઈ રહ્યા હતા અને પહેલાથી જ તેમના સામાનની તપાસ કરી ચૂક્યા હતા. પરંતુ તેઓ બોર્ડિંગ ગેટ પર પહોંચે તે પહેલા જ પ્લેન હૈદરાબાદ માટે ટેકઓફ થઇ ગયું હતું. ગવર્નરની ટીમે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તેને પ્રોટોકોલનો ભંગ ગણાવ્યો છે.

આ ઘટના બન્યા પછી એરએશિયાએ કહ્યું કે, તે આ ઘટના પર ખૂબ જ ખેદ વ્યક્ત કરે છે. આ અંગે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એરએશિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'એરલાઇનની વરિષ્ઠ નેતૃત્વ ટીમ ગવર્નર ઓફિસના સંપર્કમાં છે. વ્યાવસાયીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રોટોકોલનું પાલન કરવા માટે અમે ચૂક કરતા નથી અને અમે ગવર્નર ઑફિસ સાથેના અમારા સંબંધોને મહત્ત્વ આપીએ છીએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp