નદી કિનારે દૂધમાં પાણી ભેળવી રહ્યો હતો દૂધવાળો, કલેક્ટરે ફોટા પાડી વાયરલ કર્યા

PC: facebook.com/collectorsheopur

દૂધમાં ભેળસેળ કરવા માટે નદીમાંથી પાણી ભરતા દૂધવાળાની તસવીરો જિલ્લા કલેક્ટર સંજય કુમાર દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાયરલ કરવામાં આવી હતી. આ તસવીરોમાં દૂધવાળો નદીનું પાણી દૂધની ટાંકીમાં ઠાલવતો જોવા મળે છે. આ ફોટો કલેક્ટરે પોતે પોતાના મોબાઈલ ફોનના કેમેરાથી ક્લિક કર્યો છે.

આ ઘટના મંગળવારે સવારે શ્યોપુર શહેરને અડીને આવેલા ખેંગડા ટાઉનશિપ પાસે મોરડોંગરી નદીના કિનારે બની હતી. જ્યાં વનાચલથી શહેર તરફ નીકળેલો એક દૂધવાળો તેની બાઇક પર દૂધની ટાંકી બાંધીને નદી કિનારે પહોંચ્યો હતો. પછી નદીમાંથી એક ખાલી ટાંકીમાં પાણી ભરીને તેણે દૂધની ભરેલી ટાંકીમાં તેણે રેડવાનું શરૂ કર્યું. આ દરમિયાન ત્યાં મોર્નિંગ વોક પર નીકળેલા કલેક્ટર સંજય કુમારે તેમના મોબાઈલમાં તેના ફોટા ક્લિક કર્યા હતા.

આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટે દૂધવાળાને અટકાવ્યો અને ભેળસેળ ન કરવાની સલાહ અને સૂચના આપીને છોડી દીધો. કલેકટરની આ કવાયતથી અન્ય ભેળસેળ કરનારાઓમાં હલચલ મચી જવા પામી છે. જ્યારે, હવે લોકો તેમની સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કલેક્ટર સંજય કુમારે જણાવ્યું કે, 'આજે સવારે જ્યારે હું મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો. ત્યારે ખેંગડા નદીના કિનારે એક દૂધવાળો દૂધના વાસણમાં પાણી ભેળવી રહ્યો હતો. તેની પાસે જઈને પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું કે, તે પાણીમાં ભેળસેળ કરી રહ્યો હતો અને મોટાભાગના દૂધવાળા આવી ભેળસેળ કરે છે. હાલ પૂરતું, સલાહ આપ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. આ નાગરિકોના જીવ સાથે રમત છે. અમે આને રોકવા માટે કામ કરીશું અને જેઓ સહમત નહીં થાય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલો એવો કિસ્સો નથી કે, જ્યારે કલેક્ટરે દૂધવાળાને દૂધમાં ભેળસેળ ન કરવા સૂચના આપી હોય. ગત દિવસોમાં જિલ્લામાં ચાર્જ સંભાળ્યાના બીજા દિવસે 13મી જુલાઈએ મોર્નિંગ વોક દરમિયાન રસ્તામાં એક દૂધવાળાને રોકીને પૂછ્યું કે, તમે કેટલી ભેળસેળ કરો છો? ત્યારબાદ દૂધવાળો બાઇક લઇને સ્થળ પરથી ભાગી ગયો હતો. હવે ફરી એકવાર આવી રીતે દૂધમાં ભેળસેળ કરનારને પકડીને સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp