'અગાઉથી ભેંસનું દૂધ કાઢી લેજે, તરત ચા મોકલજે', ઓફિસરની ચા વાળા દુકાનદારને નોટિસ

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ચા વેચનારને ગ્રામ પંચાયત તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. પંચાયત સમિતિ કચેરીની બહાર ચાની દુકાન ઉભી કરનાર વ્યક્તિને નોટિસ ફટકારીને સમયસર ચા લાવવા અંગે નોટિસમાં તાકીદ કરવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, જો સમયસર ચા ન આપવામાં આવે તો, દુકાન બંધ કરીને બીજી જગ્યાએ ચાલ્યો જજે. હવે આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, અને આ નોટિસ અંગે પંચાયત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની મજાક ઉડાવવામાં આવી રહી છે. જો કે, આ નોટિસને પંચાયત સમિતિ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી.
વાસ્તવમાં, મનોહર પોલીસ સ્ટેશન શહેરના તહેસીલ રોડ પર વીરમ ચંદ્ર લોઢા એક નાની ભાડાની ચાની દુકાન ચલાવે છે. આ દુકાનમાંથી પંચાયત સમિતિની કચેરીમાં પણ ચા મોકલવામાં આવતી હોય છે. 27 જુલાઈના રોજ, વીરમ ચંદ્ર લોઢાને મનોહરથાના પંચાયત સમિતિ કાર્યાલયના બ્લોક કોઓર્ડિનેટર જય લંકેશની સહીવાળી એક નોટિસ આપવામાં આવી હતી.
આ નોટિસમાં એમ લખવામાં આવ્યું હતું કે, 'B.C. મોહન દ્વારા પંચાયત સમિતિની ઓફિસમાં ચા મોકલવા માટે ફોન કરવામાં આવ્યો હતો. જેનો તમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. સાથે જ તમે કહ્યું હતું કે, ભેંસનું દૂધ કાઢીને પછી ચા લાવીશ. જે તમારી ઘોર બેદરકારી દર્શાવે છે. માટે હવેથી તમે ભેંસનું દૂધ કાઢીને તૈયાર રાખો અને ઓફિસના અધિકારી, કર્મચારી કહે કે તરત જ ચા લઈ પહોંચી જજો.'
જય લંકેશના નામે આ નોટિસ મળતાં જ વીરમ લોઢા ડરી ગયો હતો અને જોત જોતામાં જ આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. નોટિસ મળતા જ વીરમ લોઢા ઓફિસના અધિકારીઓને મળ્યો હતો. અને ત્યારે એવું સામે આવ્યું કે, જય લંકેશ નામનો કોઈ અધિકારી અહીં છે જ નહીં.
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈએ તેની મશ્કરી કરવા માટે આવી નોટિસ લખી અને તેને વીરમ લોઢા સુધી પહોંચાડી. સાથે જ આ અંગે પંચાયત સમિતિ ઓફિસના લોકો પાસેથી માહિતી માંગવામાં આવી તો તે લોકો દ્વારા નોટિસની પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ, વીરમ લોઢાનું કહેવું છે કે, જે નોટિસ તેની પાસે આવી હતી, તે હવે તેની પાસે નથી, તેને ડિલીટ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp