દાન આપવા માટે અમીર નહી, દિલ મોટું જોઇએ, ભંગાર વેચનારે 35 લાખ દાન કર્યા

એવું કહેવાય છે કે દેશના સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટા તેમની કમાણીનો મોટાભાગનો હિસ્સો ગરીબોને દાન કરી દે છે. પરંતુ હરિયાણાના ફકીરચંદ રતન ટાટાથી કમ નથી. 53 વર્ષની ઉંમરના ફકીરચંદ 25 વર્ષથી ભંગાર વેચવાનું કામ કરે છે. જો કે તેઓ કોઇ મોટા બિઝનેસમેન નથી, પરંતુ તેમનું દીલ મોટું છે. તેઓ પોતાની કમાણીના 90 ટકા રકમ લોકોને દાન કરે છે.
હરિયાણાના કૈથલ જિલ્લામાં ફકીરચંદ એક જ રૂમમાં રહે છે અને માત્ર કેટલીક જરૂરી વસ્તુઓ સાથે જ પોતાનું જીવન જીવે છે. ફકીરચંદે જણાવ્યું કે તેઓ 5 ભાઈ-બહેન હતા. પરંતુ તે પરિવારમાં હવે એકલા રહી ગયા છે. તેમણે પોતાની 11 લાખ રૂપિયાની રકમ અને ભાઈ અને બહેનના મૃત્યુ પછી બચાવેલી 24 લાખની રકમ પણ દાનમાં આપી દીધી છે.
ફકીરચંદ પ્લાસ્ટીકની બોટલ, પૂંઠા જેવી ભંગારની વસ્તુઓ ભેગી કરીને ભંગારવાળાને વેચી દે છે અને એમ કરીને દિવસમાં 700થી 800 રૂપિયાની કમાણી કરી લે છે, આમાંથી પોતાના ખર્ચ માટે જરૂરી 200 રૂપિયા પોતાની પાસે રાખીને બાકીની રકમ ફકીરચંદ દાનમાં આપી દે છે. તેમણે કહ્યું કે આ રીતે તેમણે અત્યાર સુધીમાં 35 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી દીધી છે.
તેમણે એત્યાર સુધીમાં 5 ગરીબ કન્યાઓના લગ્ન પણ કરાવ્યા છે અને દરેક કન્યાને 75,000 રૂપિયાનો સામાન દાનમાં આપ્યો છે. તેમણે અનેક ધર્મશાળા અને મંદિરોમાં પણ દાન આપ્યા છે. કૈથલના નિલકંઠ મહાદેવ મંદિરમાં તેમણે 12 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
ફકીરચંદકહે છે કે તે ભંગારનું કામ કરે છે, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક અને લોખંડ જેવા ભંગાર વેચવાનું કામ કરે છે અને તેમાંથી 700-800 રૂપિયા કમાય છે. હું મારા જીવનનિર્વાહ માટે પૈસા બચાવું છું અને બાકીનું દાન કરું છું. અત્યાર સુધી મેં રૂ.35 લાખનું દાન કર્યું છે. મારી બહેન પૈસાનું કવર બનાવતી હતી, ભાઈ કાર્ડબોર્ડનું કામ કરતો હતો, તેણે 24 લાખની કિંમતના લાખો રૂપિયા પાછળ છોડી દીધા હતા. મેં તેમના પૈસા પણ દાનમાં આપ્યા, બાકીની મારી બચતની રકમ પણ દાનમાં આપી દીધી છે.
ફકીરચંદે કહ્યું કે મારી આગળ પાછળ કોઇ નથી,એટલે મેં વિચાર્યું કે પૈસા સારા કામમાં વાપરવા જોઇએ. રતન ટાટા જેવા મોટા મોટા લોકો પણ દાન કરે છે તો મને થયું કે મારે પણ દાન કરવું જોઇએ.ફકીરચંદે કહ્યું કે દાન કરવા માટે અમીર હોવું જરૂરી નથી, માત્ર દીલ મોટું હોવું જોઇએ. લોકોએ પણ તેમની જરૂરિયાત મુજબની રકમ રાખીને બાકીની રકમ દાન કરતા રહેવું જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp