મહિલા શાળાના બાથરૂમમાં ગઈ અને ત્યાં મગર હતો, ચીસાચીસ કરી મૂકી

PC: agraleaks.com

ઉત્તર પ્રદેશમાં આવેલા ફિરોઝાબાદ સ્થિત એકાના નગલા પાસી ગામમાં એક રેસિડેન્શિયલ સ્કૂલ આવેલી છે, તેના બાથરૂમમાં કોઈ કારણોસર મગર ઘુસી જતાં ત્યાંના લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. સાત ફૂટ લાંબા મગરને વાઈલ્ડ લાઈફની ટીમે કલાકોની સખત મહેનતે અને ભારે મુશ્કેલી સાથે બાથરૂમમાંથી બહાર કાઢીને પાંજરામાં બંધ કરી દીધો હતો.

નગલામાં બાંકે બિહારી કોમ્પિટિશનના નામથી એક રેસિડેન્શિયલ સ્કૂલ આવેલી છે. ડાયરેક્ટર અવિનાશનો પરિવાર પણ બાળકો સાથે આ સ્કૂલના કમ્પાઉન્ડમાં રહે છે. જ્યારે ડિરેક્ટરની માતા વીણા દેવી સ્કૂલમાં જ બનેલા બાથરૂમમાં ગઈ તો ત્યાં પહેલેથી જ હાજર મગરને જોઈને તેનાથી જોરદાર ચીસ પડી ગઈ હતી. આ ચીસો સાંભળીને ઘરમાં હાજર સંબંધીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. જોત જોતામાં આ વિશેની માહિતી આખા ગામમાં ફેલાઈ ગઈ હતી, માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા.

 

આ પ્રકારના સમાચાર મળતા જ એકા પોલીસ સ્ટેશનના વડા અંજીશ કુમાર પહોંચ્યા અને બાથરૂમમાં મગર હાજર હોવાની ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આ અંગેની માહિતી વન વિભાગને આપવામાં આવી હતી. આ પછી વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગરાના વાઈલ્ડલાઈફ SOSના શ્રેષ્ઠ પચૌરી, અનુજ અને કુણાલ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થળ પર જમા થયેલી ભીડને ત્યાંથી તરત જ હટાવી દીધી હતી. આ પછી બાથરૂમના ગેટ પર પાંજરું મૂકીને કલાકોની સખત મહેનત પછી મગરને બહાર કાઢીને પાંજરામાં કેદ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તેને નજીકની ઝાલગોપાલપુર કેનાલમાં છોડવામાં આવ્યો હતો.

અહીં મગરો અવાર નવાર બહાર આવતા રહેતા હોય છે. આ વિસ્તાર પાસે સીસિયા નહેરનો પુલ આવેલો છે. એવું કહેવાય છે કે, અહીંથી મગર બહાર આવતા હોય છે. નહેર પાસેની પટ્ટીઓ અને ખેતરોમાં અવાર નવાર મગરો જોવા મળતાં હોય છે, જેના કારણે વિસ્તારના ગ્રામજનો પણ ગભરાહટના વાતાવરણમાં જીવતા હોય છે.

DFO વિકાસ નાયકે જણાવ્યું કે, એકામાં એક સ્કૂલના બાથરૂમમાં એક મગર ઘુસી ગયો હતો, માહિતી મળતા જ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. આ મગર લગભગ સાત ફૂટ લાંબો હતો, જેને વાઈલ્ડ લાઈફ ટીમની મદદથી પકડીને કેનાલમાં છોડી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp