ભાઈના મોતનો આઘાત બહેન સહન ન કરી શકી, પાણીમાં કૂદીને જીવન ટુંકાવ્યું

રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ઘણા વિસ્તારોમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ થઇ રહ્યો છે. 72 કલાક સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. અનેક મકાનો ધરાશાયી થયા, વૃક્ષો ઉખડી ગયા, ગટરો નાળા બની ગઈ. જિલ્લાના કોલાયત અને બજ્જુ તાલુકાઓના ગામોમાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ હતી. ઘણા વિસ્તારો એવા હતા જ્યાં 10 ફૂટ સુધી પાણી ભરાયા હતા. એવું કહેવામાં આવે છે કે 20 વર્ષ પછી આવો વરસાદ થયો છે.
આ મુશળધાર વરસાદને કારણે બજ્જુ ગામની શેરી પણ પાણીથી ભરાઈ ગઈ હતી. પાણીના ભારે પ્રવાહમાં અહીં અનેક પશુઓ તણાઈ ગયા હતા અને મકાનો પણ ધરાશાયી થયા હતા. બજ્જુ ગામમાં રહેતો 19 વર્ષીય સંદીપ વરસાદી પાણી જોવા ઘરની બહાર નીકળ્યો હતો. તે જે જગ્યાએ ઉભો હતો ત્યાં વરસાદી નાળાના પાણીના ઝડપી પ્રવાહને કારણે તેના પગ નીચેની જમીન ધસી ગઈ અને તે વરસાદી નાળાના ભારે પ્રવાહમાં તણાઈ ગયો. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે, ગામના લોકો તેને બચાવી પણ શક્યા ન હતા. લગભગ એક કિલોમીટર દૂર ગયા પછી સંદીપ મળી આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોટ થઇ ચૂક્યું હતું.
સંદીપના મોતના સમાચાર મળતા જ ગ્રામજનો અને તેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સંદીપની 22 વર્ષની બહેન રેખા પરિવાર સાથે બજ્જુ હોસ્પિટલ પહોંચી હતી, અહીં તેના ભાઈનું પોસ્ટમોર્ટમ થતું જોઈ તે સહન કરી શકી નહીં. સંદીપની મોટી બહેન રેખા, 20, ભાઈના મૃત્યુના સમાચાર સાંભળતા જ તે સહન કરી શકી નહીં. તે ઘરથી થોડે દૂર આવેલા ખેતરમાં પહોંચી અને ખેતરમાં બનાવેલા પાણીથી ભરેલી ડિગ્ગી (એક મોટો ખાડો જેમાં પાણીનો સંગ્રહ થાય છે)માં કૂદી પડી અને તેનું પણ મૃત્યુ થયું. એક જ ક્ષણમાં પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. આ ઘટના પછી ગામમાં શોકનો માહોલ છે. જ્યારે, બે બાળકોના મૃત્યુથી પરિવારના સભ્યો ખૂબ જ દુઃખી છે. એવું સામે આવ્યું છે કે, સંદીપ અને રેખાના મૃત્યુ પછી એક જ દીકરી બચી છે. બજ્જુ તેજપુરા ગામમાં પહેલેથી જ પાણી ભરાઈ ગયું છે અને બજાર પણ બંધ છે. જે પણ આ સમાચાર સાંભળી રહ્યા છે, તે મૃતકના ઘર તરફ પહોંચી રહ્યા છે.
શુક્રવાર રાતથી કોલાયત તાલુકાના ગામડાઓમાં 400 mmથી વધુ વરસાદ પડી ચુક્યો છે. તેની બાજુમાં આવેલા બજ્જુ વિસ્તારની પણ આવી જ હાલત છે, જ્યાં અત્યાર સુધીમાં લગભગ 300 mm વરસાદ નોંધાયો છે. કોલાયતના ઝઝુ ગામમાંથી વહેતી બરસાતી નદીનું પાણી રેતીના કાંઠાને વટાવી ગયું છે અને બંને તાલુકાઓમાં હજારો વીઘા ખેતરોમાં વિનાશ કર્યો છે. છત્તરગઢમાં 40થી વધુ મકાનો ધરાશાયી થયા છે. કોલાયત અને બજ્જુ તાલુકામાં પણ 20થી વધુ મકાનો ધરાશાયી થયા છે.
વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ભારે વરસાદને કારણે ડૉ. કરણીસિંગ લિફ્ટ કેનાલની કોલાયત ડિસ્ટ્રીબ્યુટરી, દેવડા ડિસ્ટ્રીબ્યુટરી, ખીદરત ડિસ્ટ્રીબ્યુટરી, નગરાસર ડિસ્ટ્રીબ્યુટરી, ગિરરાજસર ડિસ્ટ્રીબ્યુટરી, નગરાસર માઈનોર અને ગિરરાજસર માઈનોર તૂટી ગઈ છે. જેના કારણે ડઝનેક ગામોના હજારો વીઘા ખેતરો ડૂબી ગયા છે. વરસાદના કારણે મગફળી, નરમા અને બાજરી, ગુવારના પાકને નુકસાન થયું છે.
કોલાયત અને બજ્જુના ડઝનેક ગામોમાં પૂરની સ્થિતિ છે. સેંકડો પરિવારોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આવવાની ફરજ પડી છે. વરસાદી પાણીના નાળાઓ ભારે પાણીને કારણે ઉભરાઈ જવાથી મોટી સંખ્યામાં પશુઓના મોત થયા છે. કોલાયતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ છે. બજ્જુ વિસ્તારના ગિરાંધી, ગડિયાલ, ગિરિરાજસર ગામો સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયા છે. પાણીના કારણે ગામનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જેના કારણે બચાવ ટુકડીઓને પણ લોકોને મદદ માટે ગામમાં પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp