- National
- જ્ઞાનવાપી મસ્જિદ નહીં મંદિર જ છે, અમેરિકાના મ્યુઝિયમમાં મળી આવ્યા જૂના 150 ફોટા
જ્ઞાનવાપી મસ્જિદ નહીં મંદિર જ છે, અમેરિકાના મ્યુઝિયમમાં મળી આવ્યા જૂના 150 ફોટા
સુપ્રીમ કોર્ટના આદેશ પછી વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે કરવામાં આવી રહ્યો છે. આજે સર્વેનો ચોથો દિવસ છે. હિંદુ પક્ષે દાવો કર્યો છે કે, જ્ઞાનવાપી મંદિરને તોડીને મુઘલ શાસકો દ્વારા મસ્જિદ બનાવવામાં આવી હતી. હિંદુ પક્ષે કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી સંકુલમાં પૂજા પાઠ કરવાની માંગણી કરી છે. હવે અમેરિકામાં જ્ઞાનવાપીમાં મંદિર હોવાના પુરાવાઓ મળ્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં ગેટ્ટી મ્યુઝિયમના ફોટોગ્રાફ વિભાગમાં જ્ઞાનવાપી મંદિરના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં રાખેલા ચિત્ર પરિચયમાં લખ્યું છે- 'જ્ઞાનવાપી છે જ્ઞાનનો કૂવો' એટલે કે જ્ઞાનવાપી- જ્ઞાનનો કૂવો. જ્ઞાનવાપીમાં મંદિર હોવાનો પુરાવો ત્યાં પ્રદર્શિત કરાયેલી તસવીરોમાં જોવા મળ્યો છે.

અમેરિકામાં પ્રદર્શિત કરાયેલી આ તસવીરો બ્રિટિશ ફોટોગ્રાફર સેમ્યુઅલ બાર્ન દ્વારા 1868માં લેવામાં આવી હતી. આ સમયે તેઓ બનારસની મુલાકાતે ભારત આવ્યા હતા. આ ચિત્ર 155 વર્ષ પહેલાની જ્ઞાનવાપીની વાસ્તવિકતા પ્રદર્શિત કરે છે. આ ચિત્રોમાં ત્રણ સુશોભિત કોતરેલા સ્તંભો આગળના ભાગે, કોતરેલી કમાનની નીચે અને કોતરેલી પ્રતિમાની સામે ઊભા છે. અન્ય એક તસ્વીરમાં બે થાંભલાની વચ્ચે સુશોભિત મૂર્તિ જોવા મળે છે અને ચિત્રમાં મૂર્તિની બરાબર ઉપર એક ઘંટ લટકતો જોવા મળે છે. આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દિવાલ પર બજરંગબલીની કોતરણી કરવામાં આવી છે, અનેક ઘંટ અને હિંદુ ધર્મના અન્ય પ્રતીકો તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, મ્યુઝિયમમાં સેમ્યુઅલના ભારત પ્રવાસ દરમિયાન લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ અને હરાજીમાંથી મેળવેલા 150થી વધુ ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફ્સમાં બનારસનો ઘાટ, આલમગીરી મસ્જિદ સહીત અનેક મંદિરો અને જ્ઞાનવાપીની અંદર તથા બહાર બેઠેલા નંદીની અનેક તસ્વીરો ઉપસ્થિત છે.
કાશી હિંદુ યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ, કલા સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગના પ્રોફેસર અશોક કુમાર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, સેમ્યુઅલ બાર્નના ચિત્રોમાં જ્ઞાનવાપીમાં દિવાલો પર દેવી-દેવતાઓની તસવીરો, હિંદુ ધર્મના પ્રતીકો સ્પષ્ટપણે દૃશ્યમાન થયેલા જોવા મળે છે. જેના પરથી જાણવા મળે છે કે, આજે પણ મંદિરના અનેક અવશેષો, ASI સર્વેમાં જ્ઞાનવાપીની અંદરથી મળી આવશે.

