બે દીકરી પછી દીકરાનો જન્મ થતા પશુપતિનાથના દર્શન કરવા ગયા અને જીવ ગયો

PC: tribuneindia.com

નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા પાંચ ભારતીયોમાં શામેલ સોનુ જયસવાલ કાઠમાંડૂના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં માથુ ટેકવવા ગયા હતા. લગભગ છ મહિના પહેલા તેમની દિકરાની ઇચ્છા પુરી થઇ હતી. સોનુએ માનતા માની હતી કે, દિકરો આવવાની ખુશીમા પશુપતિનાથ જઇને માથુ ટેકવશે, પણ નસીબને કંઇ બીજુ જ મંજૂર હતું.

વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની ખબર જેવી ગાઝીપુર જિલ્લાના ચક જૈનબ ગામમાં પહોંચી, તેમના પરિવાર સાથે સાથે તેમના વિસ્તારમાં ધમાલ મચી ગઇ. શોકાકુળ પરિવારને સાંત્વના આપવા માટે ભારે સંખ્યામાં લોકો ઘરે પહોંચ્યા હતા. સોનુની બે દિકરી છે. તેમણે માનતા માની હતી કે, છોકરો આવવાની ખુશીમાં તે પશુપતિનાથ મંદિર જઇને માથુ ટેકવશે. આ વાત તેમના સંબધી તથા ચક જૈનબ ગ્રામ પંચાયતના પ્રધાન વિજય જયસવાલે એક ન્યુઝ એજન્સીને કહી હતી.

તેમણે કહ્યું કે, સોનુ પોતાના ત્રણ મિત્રોની સાથે 10મી જાન્યુઆરીના રોજ નેપાળ ગયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન પશુપતિનાથના દર્શન કરવાનો હતો. તેમણે દિકરો આવવાની માનતા માની હતી. તેમની ઇચ્છા પુરી થવા પર તે ત્યાં દર્શન કરવા ગયા હતા, પણ નસીબને કંઇ બીજુ જ મંજૂર હતું. સોનુ જયસવાલ બીયરની દુકાન ચલાવતા હતા. વર્તમાનમાં તેઓ વારાણસીના સારનાથમાં વસવાટ કરતા હતા. જોકે, અલાવલપુર ચટ્ટીમાં તેમનું એક અન્ય ઘર પણ છે. વિમાન દુર્ઘટનામાં એક મિત્ર અભિષેક કુશવાહા, વિશાલ શર્મા અને અનિલ રાજભરએ પણ જીવ ગુમાવ્યો છે.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, વિશાલ શર્મા બડેસર ક્ષેત્રના અલાવલપુર ચટ્ટી ગામના હતા. જ્યારે, અનિલ રાજભર ચક જૈનબ અને અભિષેક કુશવાહા ધારવાના નિવાસી હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, રાજભર જન સેવા કેન્દ્ર સંચાલિત કરતા હતા. કુશવાહા કોમ્પ્યુટર વ્યવસાય સાથે જોડાયેલા હતો અને શર્મા ટુવ્હીલર શોરૂમમાં કોમ્પ્યટર ઓપરેટર હતો. ગ્રામીણોએ કહ્યું કે, ચારે પોખરામાં પેરાગ્લાઇડિંગ બાદ મંગળવારે ગાઝીપુર ફરવાના હતા.

ગાઝીપુરના જિલ્લા અધિકારીઓનું કહેવું છે કે, અમારા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને અન્ય અધિકારી શોકાકુળ પરિવારોના સંપર્કમાં છે. અમે દૂતાવાસના પણ સંપર્કમાં છીએ. બીજી બાજુ, યોગી આદિત્યનાથે દુર્ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ અધિકારીઓને મૃતકના પાર્થિવ શરીર લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે સમન્વય કરવાનો નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, નેપાળ વિમાન દુર્ઘટના અત્યંત દુખદ છે. માર્યા ગયેલા ભારતીય નાગરિકો સહિત દરેક લોકોને વિનમ્ર શ્રદ્ધાંજલી. મારી સંવેદના શોક સંતપ્ત પરિવારો સાથે છે. ભગવાન શ્રીરામ તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp