બર્બરતાનો ભોગ બનેલી કોન્સ્ટેબલે આપ્યું નિવેદન, જણાવ્યું શું થયેલું ટ્રેનમાં
અયોધ્યામાં સરયૂ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલ સાથે બર્બરતાના મામલામાં એક નવું અપડેટ સામે આવ્યું છે. લખનઉં ટ્રોમા સેન્ટરમાં દાખલ મહિલા કોન્સ્ટેબલે હોશમાં આવ્યા પછી નિવેદન આપ્યું છે. તેણે અધિકારીઓને કહ્યું કે, તેની સાથે બે લોકોએ દુષ્કર્મ કર્યું છે.
અયોધ્યાના મનકાપુર સ્ટેશનથી ટ્રેન શરૂ થયાની 10થી 15 મિનિટ પછી મહિલા કોન્સ્ટેબલ પર અજાણ્યા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. મહિલા ટ્રેનની સીટ નીચે લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. તેના કપડાં અસ્તવ્યસ્ત હતા. સીટ નીચે લોહી હતું, ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હતું. આ પછી તેને ભારે ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
6 દિવસ પછી ડોક્ટરોએ ઓપરેશન કરીને લેડી કોન્સ્ટેબલને બચાવી તો લીધી પરંતુ અત્યારે તે વધુ બોલી શકવાની સ્થિતિમાં નથી. લખનઉં KGMC ટ્રોમા સેન્ટરમાં મહિલા કોન્સ્ટેબલ હજુ પણ દાખલ જ છે. જોકે, હવે તેણે અધિકારીને કહ્યું કે, બે લોકોએ તેના પર હુમલો કર્યો છે. પરંતુ માથામાં થયેલી ઈજાને કારણે મહિલા કોન્સ્ટેબલ સમગ્ર ઘટનાનું વર્ણન કરી શકવાની સ્થિતિમાં નથી.
જ્યારે, તપાસમાં લાગેલી UP STFની ત્રણ ટીમો મોબાઇલ ટાવરના ડેટામાંથી શંકાસ્પદ નંબરોની તપાસ કરી રહી છે. ઘટના સમયે સક્રિય નંબરોની ઘટના સ્થળની આસપાસ એટલે કે, રેલવે ટ્રેકની પાસે શોધ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટનાના 17 દિવસ પછી પણ પોલીસ હજુ ખાલી હાથઈ જ છે. મહિલા કોન્સ્ટેબલ પર કેમ અને કોણે કર્યો જીવલેણ હુમલો? હજુ સુધી પોલીસ તેને શોધી શકી નથી.
અહીં તમને જણાવી દઈએ કે, 29 ઓગસ્ટના રોજ સવારે 4:00 વાગ્યે પ્રયાગરાજની 43 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ સુમિત્રા પટેલ સરયૂ એક્સપ્રેસની જનરલ બોગીમાં સીટની નીચે લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. જ્યારે GRPના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાર પછી મહિલા કોન્સ્ટેબલને લખનઉં KGMCમાં દાખલ કરવામાં આવી હતી. તે એક અઠવાડિયાથી બોલી શકવાની સ્થિતિમાં નહોતી. તેના માથા, ચહેરા અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાના નિશાન હતા. તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલાની દેખરેખ જાતે જ હાથમાં લીધી હતી અને ચીફ જસ્ટિસે રાત્રે સુનાવણી હાથ ધરી હતી. સરકાર અને રેલવેને નોટિસ પાઠવવામાં આવી હતી અને તપાસ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. કોર્ટ આ કેસ પર ચાંપતી નજર રાખી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp