સટ્ટાની એપ ચલાવનારાના લગ્નમાં પહોંચેલા આ 14 સેલિબ્રિટિઝ, રેડમાં 417 કરોડ જપ્ત
ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રકરે ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતમાં લગ્ન કર્યા હતા. આ માટે ત્યાં વૈભવી લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો ભારતીય એજન્સીઓના હાથમાં લાગ્યો છે. તે લગ્ન સમારોહમાં બોલિવૂડના ઘણા ગાયકો અને કલાકારોને પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને હવાલા દ્વારા 200 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તાજેતરમાં મુંબઈ, ભોપાલ અને કોલકાતાના હવાલા ઓપરેટરો પર દરોડા પાડ્યા હતા જેમણે આ ઇવેન્ટ માટે નાણાં મુંબઈની ઇવેન્ટ ફર્મને મોકલ્યા હતા. સિંગર્સ નેહા કક્કર, સુખવિંદર સિંહ, એક્ટર્સ ભારતી સિંહ અને ભાગ્યશ્રીને તે લગ્નના કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. આ સિવાય બોલિવૂડ સાથે જોડાયેલા ટોચના નામો પણ કલાકારોની યાદીમાં સામેલ છે.
EDને તપાસમાં જાણવા મળ્યું કે, મહાદેવ બુક એપ અને સટ્ટાબાજીનો આ મામલો છત્તીસગઢના કેટલાક રાજનેતાઓ, પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓના સહયોગીઓ સાથે સંબંધિત છે. આ સટ્ટાબાજીની એપનું ટર્નઓવર 20000 કરોડ રૂપિયાની આસપાસ છે.
UAEમાં આયોજિત લગ્ન સમારોહમાં જેમણે પરફોર્મ કર્યું હતું તેમની યાદીમાં નીચેના કલાકારોના નામ સામેલ છે: આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેહા કક્કર, એલી અવરામ, ભારતી સિંહ, સની લિયોન, ભાગ્યશ્રી, પુલકિત, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા, કૃષ્ણા અભિષેક.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મેસર્સ મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપની તપાસ કરી રહી છે, જે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટ્સને નવા વપરાશકર્તાઓ પ્રદાન કરે છે. ઉપરાંત, આ એપ એક મુખ્ય સિન્ડિકેટ છે, જે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા કરે છે, જે બુકીઓના યુઝર ID બનાવવા અને વેબ દ્વારા બેનામી બેંક ખાતાઓમાં નાણાં મોકલવાની વ્યવસ્થા કરે છે.
EDએ તાજેતરમાં જ કોલકાતા, ભોપાલ, મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક સામે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને મોટા પાયે ગુનાહિત પુરાવાઓ રિકવર કર્યા છે અને રૂ. 417 કરોડની ગુનાની આવકને ફ્રીઝ કરી અને જપ્ત કરી છે.
આ કેસની તપાસ દરમિયાન EDને જાણવા મળ્યું છે કે, છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બુકના મુખ્ય પ્રમોટર છે અને દુબઈથી ઓપરેટ કરે છે. તેમની કંપની મેસર્સ મહાદેવ ઓનલાઈન બુક UAEની સેન્ટ્રલ હેડ ઓફિસમાંથી ચાલે છે અને તેના જાણીતા સહયોગીઓને 70 ટકા-30 ટકા પ્રોફિટ રેશિયો પર 'પેનલ/શાખાઓ'ની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલન કરે છે.
સટ્ટાબાજીમાંથી થતી આવકને વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવા માટે હવાલા કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવે છે. ભારતમાં સટ્ટાબાજીની વેબસાઇટ્સની જાહેરાત અને નવા વપરાશકર્તાઓ અને ફ્રેન્ચાઇઝીઓ (પેનલ)ને આકર્ષવા માટે પ્રમોશન કરવામાં ભારે રોકાણ કરે છે. EDએ અગાઉ છત્તીસગઢ રાજ્યમાં સર્ચ હાથ ધર્યું હતું અને 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં આ સટ્ટાબાજીની સિન્ડિકેટના મુખ્ય સંપર્કકર્તાનો સમાવેશ થાય છે, જેઓ 'પ્રોટેક્શન મની'ના રૂપમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓને લાંચ આપતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp