26th January selfie contest

આ લોકો જજ બદલતા રહ્યા, રાહુલ ગાંધીને સજા મળ્યા પછી કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર

PC: Indiatvnews.com

મોદી અટક માનહાનિ કેસમાં સુરતની એકકોર્ટે રાહુલ ગાંધીનો દોષી માનીને 2 વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટમાંથી તરત જામીન પણ મળી ગયા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર વખતે રાહુલ ગાંધીએ મોદી અટક પર ટીપ્પણી કરીને કહ્યું હતું કે, બધા ચોરોના નામ મોદી કેમ? રાહુલના આ નિવેદન પર સુરતની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે રાહુલને સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલે ટ્વીટ કરીને લખ્યિ કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય જ મારું ભગવાન છે. અહિંસા મેળવવાનું સાધન છે- મહાત્મા ગાંધી.

રાહુલ ગાંધીની સજા પર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, અમને તો પહેલેથી ખબર જ હતી આ લોકો પહેલેથી જજ બદલતા ગયા હતા. આ બધું કરી રહ્યા હતા એટલે અમને અંદાજો આવી ગયો હતો, પરંતુ અમે કાયદામાં વિશ્વાસ રાખનારા છીએ. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે, રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીનું નામ નહોતું લીધું. શું મોદી નામ લેવા પર માનહાનિ થઇ જાય?

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, એ બધાને ખબર હતી. સુરતની કોર્ટે સજા સંભળાવી છે, ષડયંત્ર રચીને જજોને બદલવામાં આવ્યા હતા. ચૂંટણીનો માહોલ હોય તો આવા નિવેદનો અપાતા હોય છે. આવું નિવેદન આપવું એ કોઇ ગુનો નથી. કોઇની માનહાનિ કરવા માટે રાહુલ ગાંધીએ નિવેદન નહોતું આપ્યું. આજે સત્તાધારી પાર્ટી રાહુલ ગાંધની છબિને ખરડવાનો પ્રયાસ કરી રહી છે.

વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ કહ્યું કે, કોર્ટે એનું કામ કર્યું છે, પરંતુ કોર્ટની કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી. રાહુલ પાસે અપીલ કરવાનો અધિકાર છે. રાજનીતિક ટીપ્પણીઓ રોજે રોજ થતી હોય છે, PM મોદી  પણ ટીપ્પણી કરે છે, બધા જ નેતાઓ નિવેદન આપે છે. મને નથી લાગતું કે આવી સજા થવી જોઇએ. જો આ પ્રકારે સજા કરવામાં આવશે તો અડધી સંસદ જેલમાં જશે. તન્ખાએ કહ્યુ કે, આ કેસમાં 2 વર્ષની સજાને કારણે રાહુલે સાંસદનું પદ ગુમાવવુ નહીં પડે, કારણ કે આમાં કોઇ Ethical Immorality નથી. સામાન્ય રીતે સાંસદનું પદ એવા કેસમાં જાય છે જેમાં તમારો ગુનામાં નૈતિક ભૂલ હોય. આ આવા પ્રકારનો મામલો નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગેર ભાજપ નેતાઓ અને પાર્ટીઓ પર કેસ કરી કરીને તેમને ખતમ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અમારા કોંગ્રેસ સાથે મતભેદ છે પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિ કેસમાં ફસાવવા યોગ્ય નથી. જનતા અને વિપક્ષનું કામ છે સવાલ પુછવાનું. કેજરીવાલે કહ્યુ કે અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ આ નિર્ણય સાથે હું અસંમત છું.

બિહારના ભાજપ નેતા સુશીલ મોદીએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું હતું કે, મેં પણ પટના કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ કરેલો છે. મને આશા છે કે સુરત કોર્ટની જેમ બાકીની કોર્ટો પણ આ પ્રકારનો ચુકાદો આપશે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા કિરેન રિજિજૂએ કોર્ટના ચુકાદા પર કહ્યું કે, કોર્ટે સજા સંભળાવી છે તો હું તેના પુરી ડિટેલ્સની જાણકારી મેળવ્યા પછી જ પ્રતિક્રિયા આપું છે. રાહુલ ગાંધી જે કઇ પણ બોલે છે તે આજકાલ એવું થઇ ગયું છે તેને કારણે માત્ર નુકશાન જ થાય છે. માત્ર તેમની પાર્ટીને જ નુકશાન નથી થતુ પરંતુ આ દેશ માટે પણ યોગ્ય નથી. કેટલાંક નેતા અને કોંગ્રેસના સાંસદોએ મને બતાવ્યું કે રાહુલના વલણને કારણે બધું ખરાબ થઇ રહ્યું છે અને તેમની પાર્ટી પણ ડુબી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp