આ માલિકે પોતાનું શાનદાર ઘર, કાર, 30 એકર જમીન સહિતની સંપત્તિ નોકરોને આપી દીધી

PC: reetfeed.com

સામાન્ય રીતે માલિક અને નોકર વચ્ચેનો સંબંધ કામ પૂરતો મર્યાદિત હોય છે. બહુ ઓછા માલિકો છે જેઓ તેમના નોકરોને તેમના પરિવારના સભ્યોની જેમ વર્તે છે. પરંતુ ઘણી વખત આવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં માલિક કંઈક એવું કરે છે જે અન્ય લોકોને પ્રેરણા આપે છે અને મીડિયામાં ચર્ચામાં રહે છે.

આવા જ એક દિલદાર બોસની વાત પંજાબથી સામે આવી છે. શ્રી મુક્તસર સાહિબના બાંમ ગામમાં રહેતા 87 વર્ષની વયના બલજીત સિંહ માને પોતાના જીવતે જીવ પોતાની 30 એકર જમીન, ઘર અને બધી કાર તેમની સાથે કામ કરતા નોકરોના નામે કરી દીધી છે. બલજીત સિંહ માનને કોઇ સંતાન નથી અને તેમણે જે સંપત્તિ નોકરોને દાન આપી દીધી છે તે નોકરો વર્ષોથી તેમની સાથે જોડાયેલા છે.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ બલજીત સિંહ માનનું કહેવું છે કે, વર્ષ 2011માં પત્નીના અવસાન પછી તેઓ સાવ એકલાં પડી ગયા હતા. કોઇ સંબંધી તેમને જોવા નહોતું આવતું. પત્ની જ્યારે જીવીત હતી ત્યારે કેટલાંક સ્વજનોઓ તેમની બધી જમીન પચાવી પાડવાની કોશિશ કરી હતી. આવી સ્થિતિમાં તેમના નોકરોએ હંમેશા તેમની સાથે રહ્યા અને સેવા કરતા રહ્યા. બલજીત સિંહે કહ્યું કે, મેં અને મારી પત્નીએ તે વખતે જ નિર્ણય કર્યો હતો કે જાયદાદ કોઇ પણ સંબંધીને આપીશું નહીં.

બલજીત સિંહે કહ્યું કે, બઠિંડા પેટ્રોલ પંપ પર કામ કરતા ઇકબાલ નામના કર્મચારીને 19 એકર જમીન આપી દીધી છે. જ્યારે અન્ય બે  કર્મચારીઓમાં એકને 6 એકર અને અન્યને 4 એકર જમીન તેમના નામે કરી દીધી છે. ઇકબાલ સિંહે કહ્યું કે માલિક બલજીત સિંહે તેમનું આલીશાન ઘર મને આપી દીધું છે અને પોતે ખેતરમાં બનાવેલા બે રૂમના ઘરમાં રહેવા જતા રહ્યા છે.

ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે માણસે માત્ર કર્મ કરવા પર ધ્યાન આપવું જોઇએ ફળની આશા રાખવી નહીં. ફળ તમને કયા સ્વરૂપમાં ક્યારે મળી જાય તે નવાઇ નહીં. ઘણા એવા માણસો હોય છે જેમને સંતાનો હોતા નથી, પરંતુ તેમની અઢળક સંપત્તિ તેમની સાથે કામ કરતા માણસોને આપવાનો જીવ ચાલતો નથી. મોત પછી આવી સંપત્તિ માટે લડાલડી થતી હોય છે. પરંતુ બલવત સિંહે જીવતે જીવ સંપત્તિ પોતાના વફાદાર માણસોને દાન કરીને એક મિશાલ ઉભી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp