બેંગલુરુની યુવતીના નંબર પરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકી

PC: navbharattimes.indiatimes.com

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરી એકવાર ધમકી મળી છે. ફોન કરનારે તેમના ઘર અને ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફોન કરનારે પોતાનું નામ જયેશ પૂજારી જણાવ્યું છે. તેણે કહ્યું છે કે, ગત વખતે તેણે 100 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રીએ ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. પશ્ચિમ નાગપુર વિસ્તારના ખામલા સ્થિત નીતિન ગડકરીની ઓફિસે આ મામલે ફરિયાદ નોંધાવી છે. આ પછી નાગપુર પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ કોલ ગડકરીની ખામલા ઓફિસમાં આવ્યો હતો. ફોન કરનારે આ વખતે ગડકરીને બદલે ગડકરીના ઘર અને ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કોલ માટે જે નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બેંગ્લોરની યુવતીનો છે. યુવતી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે અને તેનો મિત્ર જેલમાં છે. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ફોન કોલ્સ કોણે કર્યા હતા. ગડકરીની ખામલા ઓફિસમાં બેઠેલા એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરીએ કહ્યું કે, મંગળવારે અમને બે ધમકીભર્યા ફોન આવ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી હાલમાં સંસદ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હીમાં છે. અમને ધમકીના કોલ મળતા જ અમે સ્થાનિક પોલીસમાં કેસ નોંધાવી દીધો છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં નીતિન ગડકરીના નિવાસસ્થાન અને ઓફિસ પર આવા જ ધમકીભર્યા કોલ આવ્યા હતા. ત્યારબાદ ફોન કરનારે પોતાને દાઉદ ઈબ્રાહિમ ગેંગના સભ્ય તરીકે ઓળખાવ્યો અને 100 કરોડ રૂપિયાની માંગણી કરી. 14 જાન્યુઆરીના રોજ, 11.25 અને 12.30ની વચ્ચે ગડકરીના જનસંપર્ક કાર્યાલયના લેન્ડલાઇન નંબર પર આ કૉલ્સ કરવામાં આવ્યા હતા. આ પછી નાગપુરના સાંસદના ઘર અને ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તે સમયે ફોન કરનારે પોતાનું નામ જયેશ પૂજારી હોવાનું જણાવ્યું હતું. તેમણે ગડકરીને જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. કેસની તપાસમાં જાણવા મળ્યું કે ફોન કરનાર હિંદલગા જેલમાં કેદી હતો. ભૂતકાળમાં તેને હત્યાના કેસમાં કોર્ટે ફાંસીની સજા પણ ફટકારી છે. આ ફોન કોલ જેલમાંથી જ કરવામાં આવ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, નીતિન ગડકરીની સુરક્ષા પહેલાથી જ વધારીને Z પ્લસ કરી દેવામાં આવી છે. ધમકીભર્યા કોલને લઈને નાગપુર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ઝોનલ ડેપ્યુટી પોલીસ કમિશનર રાહુલ મદને અને વરિષ્ઠ અધિકારીઓને માહિતી મળતા જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મદનેએ કહ્યું કે, અમે સમગ્ર મામલાની ચકાસણી કરી રહ્યા છીએ. આ સાથે સુરક્ષાને લઈને તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે જ પોલીસે આ કેસમાં સાયબર સેલની તંત્રને સક્રિય કરી દીધી છે. અન્ય એક કેસમાં નાગપુર પોલીસે મંગળવારે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ગડકરીને નિશાન બનાવીને કેટલીક પોસ્ટ કરી હતી. નાગપુર પોલીસના સાયબર સેલે આ મામલે કેસ નોંધ્યો છે. આરોપીનું નામ દત્તાત્રેય જોશી તરીકે દર્શાવવામાં આવ્યું છે, જેણે કેન્દ્રીય મંત્રીને નિશાન બનાવીને પોસ્ટ કરી હતી અને જે વોટ્સએપ પર ફરતી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp