જોશીમઠમાં અસુરક્ષિત મકાનોને તોડી પાડવાની કામગીરી શરૂ

PC: tv9hindi.com

ઉત્તરાખંડના જોશીમઠમાં રોજ પસાર થતાં દિવસોની સાથે જમીન ધસી જવાને કારણે ઘરોમાં તિરાડો દેખાઈ રહી છે, આવી સ્થિતિમાં ચમોલી જિલ્લા વહિવટી તંત્રએ મકાનોનું ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ ઝડપી કર્યું છે. આ સાથે મકાનોમાં રહેતા પરિવારોને ત્યાંથી હટાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 678 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. સાથે જ જે ઈમારતો અસુરક્ષિત બની ગઈ છે તેને તોડી પાડવાની ઝુંબેશ આજથી એટલે કે મંગળવારથી શરૂ કરવામાં આવી છે.

મુખ્ય સચિવ ડૉ.એસ.એસ. સંધુએ અસુરક્ષિત ઈમારતોને તોડી પાડવા સૂચના આપી છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ આ કામ પૂર્ણ કરવામાં આવશે. અસુરક્ષિત ઇમારતો પર રેડ માર્કિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા મલારી ઇન અને માઉન્ટ વ્યૂ હોટેલને તોડી પાડવામાં આવશે. આ માટે મજૂરો, બે જેસીબી, મોટી ક્રેન અને બે ટ્રકને સ્થળ પર હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ બંને હોટેલના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પછી જ પ્રશાસને તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઈમારતોને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ માટે ખાસ મિકેનિકલ ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે. આ કામને એક એક્સપર્ટ ટીમની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદ અને ભારે હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહિવટીતંત્રની ટીમ શક્ય તેટલી વહેલી તકે અસુરક્ષિત મકાનોને તોડી પાડવા માંગે છે. તો કોઈપણ રાહત અને બચાવ કામગીરીમાં સ્થાનિક પ્રશાસનને મદદ કરવા માટે એનડીઆરએફની એક ટીમ તૈયાર રાખવામાં આવી છે.

જિલ્લા પ્રશાસને અસુરક્ષિત 200થી વધુ ઘરો પર લાલ નિશાન લગાવ્યું છે. તેણે આ મકાનોમાં રહેતા લોકોને કાં તો અસ્થાયી રાહત કેન્દ્રોમાં ખસેડવા અથવા ભાડાના મકાનોમાં સ્થળાંતરિત થવા માટે કહ્યું છે. આ માટે દરેક પરિવારને આગામી છ મહિના સુધી રાજ્ય સરકાર તરફથી 4000 રૂપિયાની માસિક સહાય મળશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ચમોલીના એક બુલેટિન મુજબ, જોશીમઠમાં સોમવારે વધુ 68 ઘરોમાં તિરાડો જોવા મળી હતી, ત્યારબાદ જમીન ધસી જવાથી પ્રભાવિત ઘરોની સંખ્યા વધીને 678 થઈ ગઈ છે, તો 27 વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 82 પરિવારોને નગરમાં સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp